Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

લદ્દાખમાં સુખોઈ-૩૦, અપાચે હેલિકોપ્ટરની આકાશમાં ગર્જના

વાયુસેનાનો જોશ હંમેશાં હાઈ, દરેક યોદ્ધો પડકાર ઝીલવા તૈયાર : હિંદ મહાસાગરમાં ભારત દ્વારા ચીન વિરૂદ્ધ ચોકસાઈ વધારી દેવામાં આવી છે, PLA પર નજર રાખવા માટે P8i એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા છે

લદ્દાખ, તા. ૫ : સરહદ પર ચીનના કોઈ પણ ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે વાયુસેનાએ રવિવારે લદ્દાખમાં પોતાની વાયુ તાકાત બતાવી હતી. એડવાન્સ એરબેઝની પાસે એર ઓપરેશનમાં સુખોઈ-30 MKI, મિગ ૨૯ લડાકુ વિમાન, અપાચે હેલિકૉપ્ટરે ઉડાન ભરી હતી. વાયુસેનાએ કહ્યું હતું, કે એરબેઝ પર તૈનાત દરેક હવાઈ યોદ્ધા કોઈ પણ રીતના પડકારોનો સામનો કરવામાં સક્ષમ છે અને તેમનો જોશ હંમેશા હાઈ છે. ગલવાન બાદ અંદમાનમાં ભારતની મોટા પાયે તૈયારી કરેલી છે. હિંદ મહાસાગરમાં ભારતે ચીન વિરૂદ્ધ ચોકસાઈ વધારી દીધી છે. PLA પર નજર રાખવા માટે P8i એરક્રાફ્ટ તૈનાત કરવામાં આવ્યા છે. એલએસી પર ભારતના શૂરવીર ચીનની દરેક ચાલને નાકામ કરવા માટે તૈયાર છે.

            એલએસી પર ભારતના વાયુવીર ચીનને જડબાતોડ જવાબ આપવા તૈયાર થઈ ચૂક્યા છે. આકાશમાં એડવાન્સ મોર્ચે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાન હુંકાર ભરી રહ્યા છે અને ચેતવણી આપી રહ્યા છે કે જો ચીને કોઈ દુઃસાહસ કર્યુ તો આ વખતે પરિણામ ગલવાન કરતા પણ ખરાબ આવશે. ચીન સામે વાયુસેનાએ તૈયારી વધારે આક્રમક બનાવી છે. વાયુસેનાના ફાઈટર વિમાનો સુખોઈ-૩૦, મિગ-૨૯ અને અન્ય એરક્રાફ્ટ દ્વારા સતત દિવસ-રાત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ફોરવર્ડ બેઝ એટલે કે સરહદી વિસ્તારમાં આવેલા સૈન્ય મથકો ચીનની તમામ ગતિવિધિ સામે એલર્ટ થયા છે. ફાઈટર વિમાનો ઉપરાંત અમેરિકી બનાવટના એટેક હેલિકોપ્ટર અપાચેને પણ લદ્દાખ એલઓસી પર તૈનાત કરી દેવાયા છે. વાયુસેના પાસે અગાઉ ક્યારેય ન હતા એટલા ટ્રાન્સપોર્ટ વિમાનો હવે છે. રશિયન બનાવટના આઈએલ-૭૬, અમેરિકન બનાવટના સી-૧૭ અને સી-૧૩૦જે, ભારે વજન ઊંચકી શકતા હેલિકોપ્ટર ચીનૂક, એન્તોનોવ-૩૨ સહિતના હવાઈ ટ્રાન્સપોટરો સતત એલએસી પર લશ્કરી સામગ્રી અને સૈનિકો પહોંચાડી રહ્યા છે.

(12:00 am IST)