Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ચીનની દગાખોરીથી કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના ૨૪૪મા સ્વતંત્રતા દિવસે સંબોધન

 વોશિંગ્ટન, તા. ૫ :  દુનિયાભરમાં કોરોના વાયરસરૂપી પ્રકોપથી સૌથી વધુ ખુવારી અમેરિકાને વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ૨૪૪મા સ્વતંત્રતા દિવસના અવસર નિમિત્તે દ્વિતિય ''સેલ્યૂટ ટુ અમેરિકા'' રેલીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ચીન પર સીધો શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેઓએ દેશવાસીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે ચીનથી આવેલો વાયરસ અમેરિકામાં ફેલાયો તે પહેલાં બધુ જ ખુબ જ શ્રેષ્ઠ હતુ. તેઓએ સાથે જણાવ્યુ કે એ દેશ જે ઘણાં સમયથી અમેરિકાથી ફાયદો મેળવી રહ્યા હતા. હવે તેમની જમીન પર ટેરિફની તાકાતનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારબાદ અમેરિકા સારા વેપારવણજની સમજૂતીઓ કરી શક્યુ. હવે આ જ દેશોથી અમેરિકાના ખજાનામાં અનેક બિલિયન ડોલર જમા થયા. પરંતુ ચીનથી આવેલો આ વાયરસ અમેરિકામાં ફેલાઈ ગયો.

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યુ કે આપણે ગાઉન, માસ્ક, સર્જરીનો સામાન બનાવી રહ્યા છીએ. પહેલાં આ બધુ બીજા દેશોમાં બનતું હતું. ખાસ કરીને આ ચીજવસ્તુઓ ચીનથી આવતી હતી. કમનસીબી એ છે કે વાયરસ પણ ચીનથી આવ્યો છે. ચીનની છુપા રૂસ્તમ જેવી ભૂમિકા, મહત્વની બાબતોને છુપાવીને રાખવાની નીતિરીતિના કારણે આ ખતરનાક વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. તેના માટે ચીનને જવાબદાર ઠેરવવો જોઈએ.

 કોરોનાની વેકસીન અંગે ટ્રમ્પે જણાવ્યુ કે આપણે એ દિશામાં ખુબ જ વિશ્વાસપાત્ર રીતે આગળ વધી રહ્યા છીએ. તેની સાથે વેકસીનનું પરીક્ષણ કરી રહ્યા છીએ. તેની સાથે અન્ય સારવારની રીતોનું પણ પરીક્ષણ કરી રહ્યા છીએ. હું વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓને ધન્યવાદ આપવા ઈચ્છુ છું કે તેઓ આ દિશામાં કામ કરી રહ્યા છીએ. આ વર્ષના અંત સુધીમાં આપણે કોરોનાની રસી બનાવી લઈશું. ટ્રમ્પે જણાવ્યુ કે અમેરિકામાં અત્યાર સુધીમાં ૪૦ અબજ લોકોનો ટેસ્ટ કરવામાં આવી ચૂક્યો છે. સમગ્ર દુનિયામાં આટલા ટેસ્ટીંગ વિશ્વના અન્ય કોઈપણ દેશમાં થઈ રહ્યા નથી. 

 

(12:00 am IST)