Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મુંબઈમાં સળંગ ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો

દરિયામાં હાઈ ટાઈડની શક્યતા, વરસાદની આગાહી : ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થયો

 મુંબઈ, તા. ૫ : મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે રવિવારે મુંબઈ, ઠાણે અને કોંકણ ક્ષેત્રમાં મેઘકૃપા યથાવત્ રહી છે જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. મુંબઈમાં રવિવારે સવારથી વરસાદ વરસતાં શહેરજનો ખુશખુશાલ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક સુધી શહેર તેમજ પરાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. રાજ્યોના છૂટાછવાયા ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે મધ્ય મુંબઈના હિન્દમાતા વિસ્તાર તેમજ પૂર્વનો પરા વિસ્તાર ચેમ્બુર પાણીમાં ગરક થઈ ગયો છે. દક્ષિણ મુંબઈના કાબામાં રવિવાર સવાર સુધીમાં ૧૨૯.૫ એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે સાંતાક્રુઝમાં પણ ૨૦૦.૮ એમએમ વરસાદ નોંધાયો હતો.

મુંબઈના વાશી વિસ્તારમાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. હવામાન વિભાગના મતે દરિયામાં પણ કરંટ જોવા મળી શકે છે અને હાઈ ટાઈડને પગલે ૪.૬૩ મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. બીએમસીએ મુંબઈગરાઓને દરિયાકાંઠા નજીક નહીં જવા તેમજ કામ વગર બહાર નહીં નીકળવા સલાહ આપી છે. 

મુંબઈ નજીક આવેલા ઠાણે અને સિંધુદુર્ગ સહિત આસપાસના કોંકણ વિસ્તારમાં ભાર વિરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વિદર્ભમાં પણ મેઘ મહેર થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શનિવારે મુંબઈ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે પવનને પગલે ૧૯ જેટલા સ્થળે ઝાડ પડવાના બનાવ બન્યા હોવાનું બૃહમુંબઈ મ્યુનિ. કોર્પોરેશને જણાવ્યું હતું.

(12:00 am IST)