Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ગુલાબી નગરી જયપુરનો UNESCOની વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ :પીએમ મોદીએ ટ્વીટ કરી આનંદ વ્યક્ત કર્યો

યુનેસ્કોની વૈશ્વિક વારસા સમિતિની 43મી બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો

 

નવી દિલ્હીઃ ઐતિહાસિક ઈમારતોથી ઘેરાયેલા શહેર અને રાજસ્થાનની રાજધાની જયપુરને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે યુનેસ્કોની વૈશ્વિક વારસા સમિતિની 43મી બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો છે, બેઠક 20 જૂનથી આઝરબૈજાનમાં ચાલી રહી છે, જે 10 જુલાઈ સુધી ચાલવાની છે. જયપુર ઉપરાંત સમિતિએ વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ થવા માટે આવેલી અન્ય 36 અરજીઓ ઉપર પણ ચર્ચા કરી હતી

  વડાપ્રધાન મોદીએ યુનેસ્કોના નિર્ણયનું સ્વાગત કરતા ટ્વીટ કરી કે, "જયપુર એક શહેર છે જે સંસ્કૃતિ સાથે, બહાદ્દુરી સાથે જોડાયેલું છે. મનોહર અને ઊર્જાવાન છે. જયપુરની યજમાની દરેક લોકોને આકર્ષિત કરે છે. શહેરને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ કરાયું જાણીને અનહદ આનંદ થયો છે."

જયપુરની સ્થાપના 1727માં સવાઈ જયસિંગ બીજા દ્વારા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રના શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કોએ જણાવ્યું કે, નગર નિયોજન અને વાસ્તુકલામાં અનુકરણીય વિકાસનાં મૂલ્યો ધરાવતા શહેરમાં મધ્યયુગની શૈલીનું બાંધકામ આકર્ષક છે અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે

યુનેસ્કો દ્વારા અત્યારે 166 સ્થળોના સંરક્ષણ અંગે ચર્ચા ચાલી રહી છે. જેમાંથી 54ને તો જોખમની યાદીમાં મુકી દેવાયા છે. અત્યાર સુધી દુનિયાના 167 દેશમાં 1,092 સ્થળોને વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ કરી દેવાયા છે

 

(11:09 pm IST)