Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

શાસ્ત્રીની ભવ્ય ૧૮ ફુટ ઉંચી પ્રતિમાનુ કરાયેલુ અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રતિમાનુ અનાવરણ કરાયુ : વારાણસી વિમાની મથકે ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાના અનાવરણ વેળા યોગી-અન્યો હાજર

વારાણસી,તા. ૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. વડાપ્રધાન તરીકે સતત બીજી વખત શપથ લીધા બાદ મોદી પ્રથમ વખત વારાણસી પહોંચી ગયા હતા. શનિવારે સવારે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વારાણસી પહોંચી ગયા બાદ તેઓએ વિમાનીમથક પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ૧૮ ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતુ. ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ મોડેથી ભાજપ સભ્ય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ ગાળા દરમિયાન મોદીએ તમામ લોકોને સંબોધન કર્યુ હતુ. લાલ બહાદુર શાસ્ત્રીની ભવ્ય પ્રતિમાનુ મોદીએ અનાવરણ કર્યુ ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને તેમની કેબિનેટના અન્ય પ્રધાનો પણ હતા. વરિષ્ઠ અધિકારીઓ પણ એ વખતે ઉપસ્થિત રહ્યા હતા. સવારમાં શાસ્ત્રીની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ ગાળા દરમિયાન તેમની સાથે પાર્ટીના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડા અને યોગી આદિત્યનાથ પણ હતા. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્રનાથ પાન્ડે પણ સાથે હતા. મોદીએ શાસ્ત્રીની પ્રતિમાનુ અનાવરણ કર્યા બાદ હરહુઆ સ્થિત પ્રાથમિક સ્કુલમાં  કેમ્પસ માર્ગ પર એક છોડ લગાવીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો. આ અભિયાન હેઠળ એકલા ઉત્તરપ્રદેશમાં ૨૨ કરોડ છોડ લગાવવામાં આવનાર છે. પ્રચંડ બહુમતિ સાથે સત્તા મેળવી લીધા બાદ મોદી પ્રથમ વખત તેમના મત વિસ્તાર વારાણસીમાં પહોંચ્યા હતા. જેના કારણે ભાજપના કાર્યકરો અને સામાન્ય લોકોમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતા.

(7:28 pm IST)