Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

૨૨મીએ ઈમરાન ખાન કરશે ટ્રમ્પ સાથે પ્રથમ મુલાકાત

ઈસ્લામાબાદ, તા.૬: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ૨૨ જુલાઈએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રથમ વખત મુલાકાત કરશે. તેમની બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર જોર રહેશે. હકીકતમાં અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા પાકિસ્તાનની આલોચના કરવા, સૈન્ય સહાયતા રદ કરવા તથા તેને આતંકવાદનો સામનો કરવા માટે વધુ કડક પગલાં ભરવા અંગે કહ્યાં બાદ બંને દેશો વચ્ચેના સંબંધો અસહજ થઈ ગયાં હતાં.

વિદેશ વિભાગના પ્રવકતા મોહમ્મદ ફૈસલે ગુરુવારે જાહેરાત કરી કે, ઈમરાન ખાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિમંત્રણ પર પ્રથમ વખત અમેરિકાના પ્રવાસે જશે. ગત વર્ષે પાકિસ્તાન પર અમેરિકા માટે કંઈ નહીં કરવા ઉપરાંત ખોટું બોલવા અને છેતરપિંડી કરવા તેમ જ આતંકવાદીઓને છાવરવાનો આરોપ લગાવ્યો હતો. જેની અસર બંને દેશો વચ્ચેના સંબંધો પર જોવા મળી હતી.

ઈમરાન ખાને જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કહ્યું હતું કે, ચૂંટણી પછી જો તે વડાપ્રધાન બનશે તો, ટ્રમ્પ સાથે તેમની મુલાકાત કડવા ઘૂંટડા પીવા જેવી હશે. પરંતુ હું તેમને મળીશ. ત્યાર બાદ ઈમરાન ખાન ચૂંટણી જીત્યાં હતાં અને ઓગસ્ટમાં તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા હતાં. ફૈસલે કહ્યું કે, આ બેઠકનો એજન્ડા રાજકીય માધ્યમથી નક્કી કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા પર ફોકસ રહેશે.

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જયારે અમેરિકાએ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે અને પાકિસ્તાને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ સઈદ સહિત જમાત ઉદ દાવાના ૧૩ મુખ્ય નેતૃત્વકર્તાઓ વિરુદ્ઘ પ્રાથમિક કાર્યવાહી કરી છે.(૨૩.૩)

(10:04 am IST)