Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ઉત્તરપ્રદેશમાં પણ પ્લાસ્ટિક પર ૧૫મીથી પ્રતિબંધ હશે

નિયમનો ભંગ કરનારને ૫૦ હજારનો દંડ કરાશે : ઉત્તરપ્રદેશ સહિત દેશના ૧૮ રાજ્યો પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી ચુક્યા છે : જાગૃત્તિની દિશામાં પહેલ

લખનૌ,તા. ૬ : પ્લાસ્ટિક થઇ રહેલા પર્યાવરણના ખતરાને ધ્યાનમાં લઇને મહારાષ્ટ્ર સહિત દેશના ૧૮ રાજ્ય આના પર પ્રતિબંધ મુકી ચુક્યા છે. આ યાદીમાં હવે ઉત્તરપ્રદેશ પણ સામેલ થઇ ગયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જાહેરાત કરી હતી કે, સમગ્ર રાજ્યમાં ૧૫મી જુલાઈથી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ અમલી કરી દેવામાં આવશે. ખાસ બાબત એ છે કે, ૨૦૧૫ બાદ ત્રીજી વખત છે જ્યારે ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ૧૫મી જુલાઈથી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકાયા બાદ ઉત્તરપ્રદેશ આ અમલી કરનાર ૧૯મું રાજ્ય બની જશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોલિસી મુજબ ૫૦ માઇક્રોનથી પાતળી પોલિથીનના ઉપયોગ ઉપર પ્રતિબંધ રહેશે. નિયમોનો ભંગ કરનાર ૫૦૦૦૦ સુધી દંડ લાગૂ કરાશે. ૧૮મી નવેમ્બર ૨૦૧૫ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર રાજ્યમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ અખિલેશ યાદવ સરકારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યો હતો. જાન્યુઆરી ૨૦૧૬માં ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મુકી દીધો હતો. ૨૦૧૭માં ફરી એકવાર રાજ્યમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકાયો હતો પરંતુ સફળરીતે અમલી ન થતાં તેની અસરકારકતા ઘટી ગઈ હતી. નોઇડા ઓથોરિટી અને ગૌત્તમબુદ્ધ નગર જિલ્લામાં આ પ્રતિબંધને સંપૂર્ણરીતે લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. ૧૫મી જુલાઈ બાદ પ્લાસ્ટિક કપ, ગ્લાસ, પોલિથીનના ઉપયોગને લઇને કેટલાક નિર્ણય કર્યા હતા. ૨૪મી જૂનના દિવસે મહારાષ્ટ્રમાં પણ પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય અમલી કરી દેવાયો હતો. ગુજરાતમાં પહેલાથી જ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ અમલી છે. પ્લાસ્ટિકના સંદર્ભમાં અનેક સંસ્તાઓ દ્વારા ચોંકાવનારા તારણો જારી કરવામાં આવ્યા છે. પ્લાસ્ટિકથી થઇ રહેલી પર્યાવરણ ખતરાને ધ્યાનમાં લઇને નિર્ણય થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યો ઝડપથી આગળ આવ્યા છે. ૧૫મી જુલાઈથી ઉત્તરપ્રદેશમાં અમલી બનનાર પ્લાસ્ટિક પર પ્રતિબંધને આ વખતે સફળતા મળશે કે કેમ તેને લઇને ચર્ચા છેડાઈ ગઈ છે. સરકારે પ્લાસ્ટિક બનાવવા, પ્રયોગ કરવા, વેચવા, પરિવહન, વિતરણ, હોલસેલ અને રિટેલ વેચાણ તથા સ્ટોર કરવા ઉપર પ્રતિબંધ મુકી દેવાની જાહેરાત કરી છે. ૧૫મી જુલાઈ બાદ પ્લાસ્ટિકના કપ, ગ્લાસ અને પોલિથિનનો ઉપયોગ કરવાની સ્થિતિમાં દંડ લાગૂ કરવામાં આવશે.

(7:41 pm IST)