Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અધિકારીઓની નિમણૂંક મુદ્દે કેન્દ્ર પર કેજરીવાલના પ્રહારો

સુપ્રીમના આદેશને કેન્દ્ર સરકાર માની રહી નથી : એલજી સાથે કેજરીવાલ અને મનિષ સિસોદિયાની બેઠક દિલ્હી સરકારની ફાઇલો નહીં મોકલવા એલજીનું સૂચન

નવીદિલ્હી,તા. ૬ : પાટનગરમાં વહીવટી અધિકારોને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ દિલ્હી સરકાર અને એલજી વચ્ચે જોરદાર જંગ છેડાયેલો છે અને આ ખેંચતાણ હજુ રોકાઈ રહી નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે, તે સુપ્રીમ કોર્ટના આદેશની સતત અવગણના કરી રહી છે. હકીકતમાં કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ એલજી અનિલ બેજલને બપોરે મળીને પત્રકાર પરિષદ યોજી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, એલજી આ બાબતને લઇને સહમત છે કે, તેમને દિલ્હી સરકારની ફાઇલો મોકલવામાં ન આવે પરંતુ એલજી સર્વિસ સાથે સંબંધિત મામલામાં રહેલી ફાઇલો પોતાની પાસે રાખી રહ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે, એલજી બેજલે અમને કહ્યું છે કે, તેઓ સર્વિસ સાથે જોડાયેલી ફાઇલો પોતાની પાસે રાખી રહ્યા છે. એલજીએ કહ્યું હતું કે, તેઓ કેન્દ્ર સરકાર તરફથી જારી કરવામાં આવેલા વટહુકમ હેઠળ કામ કરી રહ્યા છે. કેજરીવાલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખુલ્લીરીતે કહે છે કે, તે સુપ્રીમ કોર્ટના ચુકાદાને માનશે નહીં. જો સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો પણ સ્વિકાર કરશે નહીં તો અરાજકતા ફેલાઈ જશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે બુધવારના દિવસે દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને એલજી વચ્ચે ચાલી રહેલા અધિકારોના જંગમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એલજીને ફટકો આપ્યો હતો. પાંચ જજની બેંચે સર્વસંમતિથી કહ્યું હતું કે, અસલી તાકાત મંત્રીમંડળ પાસે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, મંત્રી પરિષદના તમામ નિર્ણયથી લેફ્ટી ગવર્નરને ચોક્કસપણે વાકેફ કરવા જોઇએ પરંતુ આનો મતલબ એ નથી કે તેમાં નાયબ રાજ્યપાલની મંજુરી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નાયબ રાજ્યપાલને સ્વતંત્ર અધિકાર સોંપવામાં આવેલા નથી. કોર્ટે આની સાથે સાથે દિલ્હી સરકાર અને એલજીને પારસ્પરિક રીતે તાલમેલ બેસાડીને કામ કરવા માટે સૂચના આપી હતી. કોર્ટે કહ્યું હતું કે દિલ્હીમાં પોલીસ, લો એન્ડ ઓર્ડર અને જમીનના મામલામાં તમામ અધિકાર એલજી પાસે રહેશે. આનાથી ઉપરાંત તમામ મામલામાં ચૂંટાયેલી સરકાર કાયદા બનાવી શકે છે. હાઈકોર્ટે ઓગસ્ટ ૨૦૧૬માં આપવામાં આવેલા ચુકાદામાં કહ્યું હતું કે, દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને બંધારણની કલમ ૨૩૯એએ હેઠળ આના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આજે કેજરીવાલે ડોર સ્ટેપ સ્કીમ, સીસીટીવી કેમેરા સ્કીમ અને સિગ્નેચર બ્રિજને લઇને માહિતી આપી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમે ડોર સ્ટેપ સ્કીમને મંજુરી આપી દીધી છે. આ મામલો મહિનાઓથી અટવાયેલો હતો. કારણ કે, એલજી કોઇને કોઇ રીતે વાંધાઓ સાથે આને રોકી રહ્યા હતા.

(7:40 pm IST)