Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટી હેઠળ લાવવાની સક્રિય વિચારણા

તબક્કાવારરીતે આગળ વધવામાં આવે તેવી પ્રબળ સંભાવના : દેશમાં હાલમાં પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ઉડ્ડયન ટર્બાઈન જીએસટી સમીક્ષા બહાર છે : એટીએફ અને ગેસ મુદ્દે પહેલા નિર્ણય કરાશે

નવીદિલ્હી,તા. ૬ : ફાયનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ આજે કહ્યું હતું કે, ઓલ પાવરફુલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી હેઠળ પેટ્રોલિયમ પેદાશોને લાવવાના મુદ્દા ઉપર વિચારણા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, જીએસટી હેઠળ પેટ્રો પ્રોડક્ટને લાવવા માટે તબક્કાવારરીતે કામગીરી આગળ વધી શકે છે. આ મુદ્દે વાત કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમના ચેરમેન એસ રમેશે કહ્યું હતું કે, જીએસટી હેઠળ પેટ્રોલિયમ પેદાશોને લાવવા માટે માંગ તીવ્ર બની ગઈ છે પરંતુ જીએસટી કાઉન્સિલને સૌથી પહેલા રુપરેખા તૈયાર કરવી પડશે. હાલમાં ડીઝલ, પેટ્રોલ, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, ઉડ્ડયન ટર્બાઈન ફ્યુઅલ, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની હદમાં આવતા નથી. રાજ્યોને આ તમામ વસ્તુઓ ઉપર વેલ્યુએડેડ ટેક્સ લાગૂ કરવાના અધિકારો રહેલા છે. તેમણે કહ્યું હતું કે, અમે તબક્કાવારરીતે આગળ વધતા પહેલા તમામ બાબતોને જોઇશું. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા વારંવાર એવિએશન ટર્બાઈન ફ્લુઅલ પર ટેક્સના ઉંચા રેટને લઇને ચિંતા વ્યક્ત કરી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલનો ઉપયોગ એરલાઈનના ઓપરેશનલ ખર્ચ માટે વારંવાર કરવામાં આવે છે. વિમાની ભાડા પણ આના ઉપર આધારિત રહેલા છે. નાણામંત્રાલય દ્વારા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની સમીક્ષામાં કુદરતી ગેસ અને એટીએફને લેવાના મામલામાં પોતાના ઇરાદા પહેલાથી જ વ્યક્ત કર્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પણ જેટ ફ્યુઅલને પરોક્ષ કરવેરા વ્યવસ્થા હેઠળ લઇ લેવા માટે નાણામંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી ચુકી છે. અઢિયાએ કહ્યું છે કે, ઘણું બધુ કામ કરવામાં આવ્યું છે પરંતુ પ્રવર્તમાન વ્યવસ્થાને સુધારવા માટે ગંભીરતાપૂર્વક પગલા લેવાઈ રહ્યા છે. અમે હજુ માનીએ છીએ કે, અમને ઘણું વધુ કામ કરવાની જરૂર છે અને આ દિશામાં કામ કરી રહ્યા છે. ફંડના ઓટોમેશનના મુદ્દા ઉપર તેમણે કહ્યું હતું કે, પહેલા જ દિવસથી ઓટોમેટેડ અધિકારોને લઇને ચર્ચા થઇ રહી છે પરંતુ કમનસીબરીતે લોકો દ્વારા ફાઇલિંગ રિટર્નમાં ઘણી બધી ભુલો કરવામાં આવી રહી છે જેના લીધે આવકવેરા વિભાગને છેલ્લીઘડીએ  મેન્યુઅલ મોડની ફરજ પડી હતી. તેમણે ઉમેર્યું હતું કે, અમે સંપૂર્ણપણે ઓટોમેટિકરીતે આ પ્રક્રિયાને શરૂ કરવા ઇચ્છુક છે. સમગ્ર રિફન્ડ પ્રક્રિયા લાગૂ કરવા ઇચ્છીએ છીએ. આ આગળની વાત છે. રેટને સરળ બનાવવા અને સ્લેબને સરળ બનાવવાના મુદ્દા ઉપર ઘણી બધી બાબતો સમજવાની જરૂર છે. જીએસટીમાં હાલ ચાર સ્લેબ રહેલા છે. જેમાં પાંચ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાનો સમાવેશ થાય છે. નવેમ્બર મહિનામાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૧૭૮ વસ્તુઓ ઉપર ટેક્સ રેટ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાનો નિર્ણય કરાયો હતો.

(7:37 pm IST)