Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

અમેરિકાનો ૩૪ અબજ ડોલરની ચીની આયાત પર ૨૫ ટકા ટેરિફ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની આખરે શરૂઆત થઇ : જેવા સાથે તેવાના પગલારૂપે ચીને પણ તરત અમેરિકામાંથી આયાત કરાતી આશરે ૫૪૫ ચીજવસ્તુઓ પર ટેરિફ લાગૂ કર્યો : વિશ્વના દેશો ઉપર અસર

નવીદિલ્હી,તા. ૬ : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ આજે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ આજે જ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકા દ્વારા ચીની ચીજવ્તુઓ ઉપર નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત બાદ ચીને પણ જેવા સાથે તેવાના ભાગરુપે અમેરિકાથી આયાત કરવામાં આવતી આશરે ૫૪૫ ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી દીધી હતી. ખાસ બાબત એ છે કે, ચીનનો નિર્ણય પણ ૩૪ અબજ ડોલરની કિંમત સુધી અમેરિકી આયાત ઉપર પ્રતિકુળ અસર કરશે. ચીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, તે અમેરિકાના નિર્ણયથી પોતાના હિતોની સુરક્ષા માટે પુરતા પગલા લેશે. ચીનના વાણિજ્ય મંત્રાલય દ્વારા પોતાની વેબસાઇટ ઉપર જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા દ્વારા ઇતિહાસના સૌથી મોટા ટ્રેડવોરની શરૂઆત કરીને ચીન સામે ટ્રેડવોરની શરૂઆત કરી દીધી છે. ચીને પોતાના લોકો અને દેશના હિતોની સુરક્ષા માટે પુરતા પગલા લીધા છે. મંત્રાલયનું કહેવું છે કે, આ ડ્યુટી હકીકતમાં અમેરિકાએ પ્રભુત્વ જમાવવાના પ્રયાસરુપે લાગૂ કરી છે. જેની ગ્લોબલ ઇન્ડસ્ટ્રી પર પ્રતિકુળ અસર થશે. આનાથી ગ્લોબલ ઇકોનોમિક રિકવરી પણ જોવા મળશે. ચીને કહ્યું છે કે, અમેરિકાના આ પગલાથી ટ્રાન્સનેશનલ કંપનીઓ, સામાન્ય કંપનીઓની સાથે સાથે નવા વૈશ્વિક ગ્રાહકો ઉપર અસર થશે. ચીની મંત્રાલયનું કહેવું છે કે, અમેરિકી કારોબારી અને ગ્રાહકોને પણ આના કારણે માઠી અસર થશે. અમેરિકી ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન ચાઇનાના ચેરમેન વિલિયમ જેરિટે કહ્યું છે કે, આ પ્રકારના ટ્રેડવોરમાં વિજેતા કોઇપણ સાબિત થશે નહીં. કાઉન્ટર પ્રોડક્ટીવ ઇમ્પોર્ટ ટેરિફ માત્ર અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થાને જ નુકસાન કરશે નહીં બલ્કે આનાથી સમગ્ર દુનિયાના દેશને અસર થશે. ટ્રમ્પ દ્વારા જૂન મહિનામાં જ આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે અમેરિકી કસ્ટમ અધિકારીઓ ૮૦૦થી વધારે ચીની પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ વસુલ કરશે. એટલું જ નહીં આગામી બે સપ્તાહમાં અમેરિકા ૧૬ અબજ ડોલરના અન્ય ચીની પ્રોડક્ટ ઉપર પણ પ્રતિબંધ લાગૂ કરશે. ચીનમાં યુએસ કંપનીઓ માટે નવી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જેરિટે કહ્યું છે કે, તેઓ ચીનમાં બિઝનેસ કરી રહેલી અમેરિકી કંપનીઓને લઇને ચિંતાતુર છે. આ પ્રકારથી અમેરિકા અને ચીન વચ્ચે વધતા જતાં ટેન્શનના લીધે તેમનું કામ કરવું મુશ્કેલ થઇ જશે. બંને સરકારોને અપીલ કરવામાં આવી છે કે, કોઇ રચનાત્મક નિષ્કર્ષ સુધી પહોંચવા આમને સામને બેસીને ચર્ચા કરવામાં આવી શકે છે. ટ્રેડવોરને લઇને છેલ્લા ઘણા દિવસથી હિલાચાલ ચાલી રહી હતી.

અમેરિકાએ ચીની આયાત ઉપર જંગી ટેરિફ લાગૂ કરતા જોરદાર ખેંચતાણની શરૂઆત થઇ છે. એક નિવેદનમાં વાણિજ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના પગલા વિશ્વ વેપાર નિયમોના ખુલ્લા ભંગ સમાન છે. આર્થિક ઇતિહાસમાં સૌથી મોટાપાયે ટ્રેડવોરની શરૂઆત આના લીધે થઇ ચુકી છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે આ મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી હતી.

(7:35 pm IST)