Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

જિયો ગીગા ફાઇબર માટેની નોંધણી ૧૫મી ઓગસ્ટથી : વર્તમાન ગ્રાહકો જિયો ફિચર ફોન એકસચેન્જ કરાવી શકશે : મુકેશ અંબાણી

સ્વતંત્રતા દિને ડિજીટલ સ્વતંત્રતાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેનની જાહેરાત : રિલાયન્સનો સુવર્ણ દશકમાં પ્રવેશ

જામનગર તા. ૬ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૧મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર શ્રી મૂકેશ અંબાણીએ આગામી દશક રિલાયન્સ માટે સુવર્ણ દશક બની જશે તેવી શેરધારકોને ખાતરી આપી હતી. તેમણે જિયોના ગ્રાહકો માટેના લાભ માટેની જાહેરાતો કરી હતી. ઉપરાંત, ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહેલા જિયોગીગાફાઇબર ફીકસ-લાઇન બ્રોડબેન્ડ માટે પણ ઓગષ્ટ ૧૫,૨૦૧૮થી નોંધણી શરૂ થશે તેવી જાહેરાત શ્રી અંબાણીએ કરી હતી.

જિયો ફિચર ફોનના ૫૦ લાખ વર્તમાન ગ્રાહકોને હવે ઓગષ્ટ ૧૫,૨૦૧૮થી તેમના ફોનમાં સોશ્યલ નેટવર્કિંગ એપ્સ વોટ્સએપ, યુ-ટ્યુબ અને ફેસબુકનો લાભ મળશે. આ ઉપરાંત, કંપનીએ હોરીઝોન્ટલ સ્ક્રીન ધરાવતો જિયો ફિચર ફોન-૨ પણ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

જિયો ફિચર ફોનના વર્તમાન ગ્રાહકો જુલાઈ ૨૧,૨૦૧૮થી પ્રારંભ થતી જિયો મોનસૂન હંગામા ઓફર હેઠળ રૂ.૫૦૧ની ચૂકવણી સાથે જૂનો ફિચર ફોન આપીને એકસચેન્જમાં નવો જિયો ફિચર ફોન-૨ મેળવી શકશે. નવા ગ્રાહકોને આ ફોન ૧૫ ઓગષ્ટ, ૨૦૧૮થી માત્ર રૂ.૨,૯૯૯ની કિંમતે ઉપલબ્ધ થશે.

જિયો ગીગા ફાઇબર ફીકસ્ડ-લાઇન બ્રોડબેન્ડ માટેની નોંધણી ૧૫ ઓગષ્ટ, ૨૦૧૮થી માયજિયો એપ તથા જિયો.કોમ વેબસાઇટ પર શરૂ થશે. જે વિસ્તારમાંથી વધારે લોકો નોંધણી કરાવશે તે વિસ્તારમાં જિયો ગીગા ફાઇબર બ્રોડબેન્ડની સુવિધા પહેલાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું. '૧૫મી ઓગષ્ટે, દરેક ભારતીયની ડિજીટલ સ્વતંત્રતા માટે નોંધણી કરાવવા દ્વારા ભારતની સ્વતંત્રતાની ઉજવણી કરવા માટે જિયો આપને આમંત્રણ આપે છે.' એમ શ્રી અંબાણીએ જણાવ્યું હતું.

શ્રી અંબાણીએ ઉમેર્યું હતું કે જિયોગીગાફાઇબર ભારતના ૧,૧૦૦ શહેરોમાં એક સાથે શરૂ કરવામાં આવશે. 'જિયોમાં અમે ભારતને મોબિલિટી તેમજ ફાઇબર આધારીત વાયરલાઇન કનેકિટવિટીમાં વિશ્વમાં ટોચના પાંચ દેશોમાં લઈ જવા પ્રતિબધ્ધ છીએ.'

શ્રી મૂકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, છેલ્લાં એક વર્ષમાં જિયોના ગ્રાહકોની સંખ્યા વધીને ૨૧.૫ કરોડ થઈ ગઈ છે. પ્રારંભના માત્ર ૨૨ મહિનામાં બમણી સંખ્યા મેળવવાનો વિક્રમ વિશ્વમાં કોઇપણ જગ્યાએ કોઇપણ ટેકનોલોજી કંપની નોંધાવી શકી નથી, એમ તેમણે જણાવતાં ઉમેર્યું હતું કે જિયોના નેટવર્ક પર ડેટાનો ઉપયોગ ૧૨૫ કરોડ ગીગા બાઇટ (જી.બી.)થી વધીને ૨૪૦ કરોડ જી.બી. થયો છે, તેમજ વોઇસનો દૈનિક વપરાશ ૨૫૦ કરોડ મિનિટથી વધીને ૫૩૦ કરોડ મિનિટ થચો છે અને વિડિયોનો માસિક વપરાશ ૧૬૫ કરોડ કલાકથી વધીને ૩૪૦ કરોડ કલાક થયો છે.

રિલાયન્સ ટેકનોલોજી પ્લેટફોર્મ કંપની બનવાના તરફ આગળ વધી રહી છે ત્યારે અમે હાઇબ્રીડ ઓનલાઇન-ટુ-ઓફલાઇન ન્યૂ કોમર્સ પ્લેટફોર્મનુ સર્જન કરવામાં અમે અમારી સૌથી મોટી વૃધ્ધિની તકો જોઇ રહ્યા છીએ. અમે રિલાયન્સ રીટેલની ફિઝિકલ માર્કેટપ્લેસ સાથે જિયોના ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સર્વિસીસનું સંકલન અને તાદામ્ય સાધીને તેનું સર્જન કરી શકીએ. આ પ્લેટફોર્મ રિલાયન્સ રીટેલ સ્ટોર્સના ૩૫ કરોડથી વધારે ગ્રાહકો, જિયોના ૨૧.૫ કરોડ કરતાં વધારે કનેકિટવિટી ગ્રાહકો અને અંદાજિત ૫ કરોડ જિયો ગીગા-હોમગ્રાહકો અને છેલ્લી ફિઝિકલ માર્કેટ કનેકિટવિટી પૂરી પાડતા સમગ્ર ભારતમાં રહેલા ૩ કરોડ નાના વેપારીઓ અને દુકાનદારોને ભારત-ઇન્ડિયા જોડો હેઠળ સાથે લાવશે, એમ તેમણે જણાવ્યું હતું. શ્રી અંબાણીએ જણાવ્યું હતું કે અમારા નવા હાઇબ્રીડ ન્યૂ કોમર્સ પ્લેટફોર્મનો હેતુ સમૃધ્ધિની વહેંચણીને પ્રોત્સાહન આપવાનો છે.

વ્યવસાય અને નાણાંકીય કામગીરી અંગે વાત કરતાં શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમારા નવા-યુગના કન્ઝયુમર બિઝનેસે પણ નફો કરવાનું શરૂ કર્યું છે. અમારા હાઇડ્રોકાર્બન વ્યવસાય (રિફાઇનિંગ અને પેટ્રોરસાયણ)એ તેની ક્ષમતામાં વધારો કરીને વધારે નફાકારક, સંકલિત અને આવકની રીતે અપેક્ષિત બન્યા છે. કંપનીનો ચોખ્ખો નફો ૨૦.૬ ટકા વધીને રૂ. ૩૬,૦૭૫ કરોડ થયો. કંપનીના કન્ઝયુમર બિઝનેસ – જિયો અને રીટેલ – સંકલિત કરવેરા અને ઘસારા પહેલાંની આવકમાં ૧૩ ટકા હિસ્સો ધરાવે છે, જે અગાઉ માત્ર ૨ ટકા હતો. સુવર્ણ દશકનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમારો કન્ઝયુમર બિઝનેસ કંપનીની સમગ્ર આવકમાં અમારા ઊર્જા અને પેટ્રોકેમિકલ વ્યવસાયો જેટલું જ પ્રદાન આપશે. 'કન્ઝયુમર વ્યવસાયની આવક પણ અમારા હાઇડ્રોકાર્બન વ્યવસાય જેટલી થવા માંડી છે ત્યારે હું તમને ખાતરી આપું છું કે આગામી દાયકો રિલાયન્સ માટે ખરેખર સુવર્ણ દશક બની જશે,' એમ તેમણે જણાવ્યું હતું.

વિશ્વના ૧૧૩ દેશોમાં રૂ.૧૭૬,૧૧૭ કરોડની નિકાસ સાથે રિલાયન્સ ભારતના કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં ૮.૯ ટકાના હિસ્સા સાથે ટોચના નિકાસકાર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખે છે. કંપનીએ રૂ.૪૨,૩૩૫ કરોડનો જી.એસ.ટી., રૂ.૩૬,૩૧૨ કરોડની કસ્ટમ્સ અને એકસાઇઝ ડ્યુટી, તથા રૂ.૯,૮૪૪ કરોડ આવકવેરો ભર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

 શ્રી મૂકેશ અંબાણીએ રિલાયન્સના હાઇડ્રોકાર્બન વ્યવસાય અંગે વાત કરતાં જણાવ્યું હતું કે કંપનીએ જામનગરમાં પરિચાલન શરૂ કર્યું તેને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે, તેમજ કંપનીની જામનગરનું સૌથી મોટું રોકાણ ચક્ર પુરું થઈ ગયું છે અને પેરાઝાયલીન અને ઇથિલિન ક્રેકર કોમ્પલેકસ તેમની ડિઝાઇન ક્ષમતા કરતાં પણ વધારે સ્તરે કાર્ય કરી રહ્યા છે, જેનાથી કંપનીના ખર્ચમાં ઘટાડો અને નફાકારતામાં વધારો થશે. ઓઇલ-ટુ-કેમિકલની ૧૯૯૬-૧૯૯૯માં શરૂ થયેલી યાત્રામાં વિશ્વના સૌથી મોટા રિફાઇનરી ઓફ ગેસ ક્રેકર અને પેરાઝાયલિન કોમ્પલેકસના પ્રારંભમાં હરણફાળ ભરી અને આ નવા પ્રોજેકટે ઓઇલ-યુ-કેમિકલના સંકલનની વ્યાખ્યા જ બદલી નાંખી છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રમત-ગમતના ઉત્થાન માટે જમીની સ્તરે કરવામાં આવતા પ્રયાસોની નોંધ લેતાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અર્પણ કરવામાં આવેલ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ બદલ શ્રીમતી નીતા અંબાણીને અભિનંદન આપ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશન દેશના ૧૫ રાજયોમાં ૧૩,૫૦૦૦ ગામડાં સુધી પહોંચ્યું છે અને તે રીતે દેશના સૌથી મોટા સંસ્થાગત ફાઉન્ડેશન તરીકે ખૂબ અસરકારક ભૂમિકા ભજવે છે, એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કંપનીએ છેલ્લાં બે વર્ષમાં ૨,૦૦,૦૦૦ લોકોને રોજગારી આપવા ઉપરાંત જિયો અને રીટેલ સમગ્ર ભારતમાં ૧૦ લાખ લોકો માટે જીવનનિર્વાહની તકોનું સર્જન કર્યું છે. તેમણે ડિજીટલ વ્યવસાયમાં સાયબર સિકયોરીટીને ખાતરી આપી હતી અને ઊર્જા અને પેટ્રોરસાયણ વ્યવસાયમાં પણ ગ્રીન ઇકોનોમી અને સકર્યુલર ઇકોનોમીના સિધ્ધાંતોનું પાલન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. રિલાયન્સ આધુનિક ભારતનો ચમકતો આદર્શ બની રહ્યું હોવાનું જણાવતાં શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, 'ભારતે તેના અર્થતંત્રને ૨૦૨૫ સુધીમાં બમણું કરવાની ઉચ્ચતમ વૃધ્ધિની યાત્રા શરૂ કરી છે ત્યારે હું તમને ખાતરી આપું છું કે આ સમયગાળામાં રિલાયન્સનું કદ પણ બમણાં કરતાં વધુ થઈ જશે.'(૨૧.૧૨)

(11:38 am IST)