Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

છેલ્લા ૧૦ વર્ષમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કેટલા નાગરિકોને મળ્યા ? માહિતી અધિકાર હેઠળ રાજકોટના શૈલેન્‍દ્રસિંહ જાડેજાએ માહિતી માંગતા આવી માહિતી ન આપી શકાય તેવો પ્રત્યુત્તર મળ્યો

રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી છેલ્લા ૧૦ વર્ષમાં કેટલા નાગરિકોને મળ્યા તે અંગેની માહિતી રાજકોટના શૈલેન્દ્રસિંહ જાડેજાએ માહિતી અધિકારી હેઠળ માંગી હતી. પરંતુ પીએમઓ કાર્યાલય તરફથી આ માહિતી ન આપી શકાય તેમ જણાવાયું છે.

માહિતી અધિકારના કાયદા (2005) હેઠળ વડાપ્રધાન કાર્યાલય પાસેથી માહિતી માંગવામાં આવી હતી કે, છેલ્લા દશ વર્ષમાં કેટલા નાગરિકોએ વડાપ્રધાનની મુલાકાત લીધી તેની વર્ષ-પ્રમાણે આંકડાકીય વિગતો આપવી. જો કે, વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યુ કે, આ માહિતી જાહેર થવાથી દેશના સાર્વભૌમત્વને અસર થઇ શકે અને આ સિવાય પણ બીજા અન્ય કારણોસર આ વિગતો માહિતી અધિકારના કાયદાની જોગવાઇઓમાં મુક્તિ મળેલી છે.

રાજકોટનાં રહેવાસી અને માહિતી અધિકારના કાયદાનો સરકારી વહીવટમાં પારદર્શક્તા આવે એ માટે લડત ચલાવતા શૈલેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન કાર્યાલયમાં માહિતી માંગી હતી.

શૈલેન્દ્રસિંહ જાડેજાએ માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતીના પ્રત્યુતરમાં વડાપ્રધાન કાર્યાલયે જવાબ આપ્યો કે, “વડાપ્રધાનને વિવિધ ક્ષેત્રના લોકો મળવા આવતા હોય છે. આમાની કેટલી મુલાકાતો ઔપચારિક હોય. (તો કેટલીક મુલાકાતોની નોંધ રેકર્ડ પર હોતી નથી).આ મુલાકાતોમાં દેશનો કારભાર સંભાળવવા માટે લોકોને મળતા હોય છે, તો વિદેશનાં મહેમાનોને પણ મળતા હોય છે. આ મુલાકાતોમાં કેટલીક બાબતો દેશના સાર્વભૌમત્વને લગતી પણ હોઇ શકે. આ વિગતો માહિતી અધિકારના કાયદા (2005)ની સેક્શન 7(9), 8 (1) અને 11 નીચે જાહેર કરવામાંથી મુક્તિ મળેલી છે. આથી માંગેલી માહિતી આપી શકાય તેમ નથી.

જો કે શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, મેં એવી કોઇ માહિતી માંગી નહોતી કે આ દેશની અંખડિતતા કે સાર્વભૌમત્વને અસર કરે. મેં એવી માહિતી નહોતી માંગી કે, કોણ (અથવા કઇ વ્યક્તિઓ) વડાપ્રધાનની મુલાકાત લે છે પણ કેટલા લોકો વડાપ્રધાનની મુલાકાત લે છે એની આંકડાકીય વિગતો માંગી હતી. આ આકંડાની વિગત જાહરે ન કરી શકાય એવી વડાપ્રધાન કાર્યલયની દલીલ ગળે ઉતરે એવી નથી. મારુ એવુ સ્પષ્ટપણે માનવું છે કે, નાગરીકોનો માહિતી ન આપવાની આ બધી પ્રયુક્તિઓ છે.

(6:01 pm IST)