Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોંગ્રેસે શકિતસિંહ ગોહિલને 'નંબર વન' ઉમેદવાર જાહેર કર્યા : ભરતસિંહે પોતાની તાકાત ઉપર લડવું પડશે

વધુ એક રાજીનામુ પડવાની તૈયારી? ભરતસિંહના સમર્થકો નારાજ

રાજકોટ તા, ૬ : ગુજરાતમાં આગામી તા.૧૯ના રોજ યોજનાર રાજયસભાની ચૂંટણી પૂર્વે ભાજપે જબરો દાવ નાખી કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામા ફેંકાવતા હવે ચારમાંથી ત્રણ બેઠકો ઉપર ભાજપનો વિજય નિશ્ર્ચિત મનાય છે જયારે કોંગ્રેસને એક જ બેઠક મળે તેવી સ્થિતિ સર્જાતા કોંગ્રેસ માટે ભરતસિંહ સોલંકી અથવા શકિતસિંહ ગોહિલમાંથી કોઇ એકની પસંદગી કરવાનો પડકાર ઉભો થયો છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શકિતસિંહ ગોહિલને એક નંબરના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

ધારાસભાની ચૂંટણી સમયે ભાજપના માત્ર ૯૯ ધારાસભ્યો ચૂંટાયા હતા. જયારે ચાર અન્ય પક્ષોના અને ૭૯ ધારાસભ્યો કોંગ્રેસના ચૂંટાયા હતા પરંતુ ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વંડીઓ ઠેંકવાનું શરૂ કરતા આજે ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો છે જયારે કોંગ્રેસ પાસે માત્ર ૬૫ ધારાસભ્યો બચ્યા છે. રાજયસભાની આગામી તા.૧૯નારોજ યોજાનાર ચૂંટણીમાં પણ કોંગ્રેસને બે અને ભાજપને બે બેઠક મળે તેમ હતી પરંતુ ભાજપુે સતાના જોરે દાવ નાખતા કોંગ્રેસીના અગાઉ પાંચ અને છેલ્લા બે દિવસમાં ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા સ્થિતિ બદલાઈ ગઇ છે. રાજયસભામાં ભાજપને બે બેઠક જ મળે તે હોવા છતાં ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ફોર્મ ભરાવી કોંગ્રેસમાં તોડફોડનો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો હતો અને અગાઉ પ્રવીણ મારૂ (ગઢડા જે. કે. કાકડીયા (ધારી), સોમાભાઇ પટેલ (લાંબડી), પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા) તથા મંગળભાઇ ગામીત (ડાંગ) એ રાજીનામા આપ્યા બાદ ગઇકાલે જીતુ ચૌધરી (કપરાડા) અને અક્ષય પટેલ (કરજણે) રાજીનામા આપી દીધા હતા. જયારે આજે સવારે મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય બ્રીજેશ મેરજાની વિકેટ ખડી હતી.

આમ ભાજપના ૮ ધારાસભ્યોએ રાજયસભાની ચૂંટણી પૂર્વે રાજીનામા આપ્યા છે. જયારે બે બેઠકો અગાઉથી ખાલી હતી તેથી ૧૭૨ ધારાસભ્યો ધારાસભામાં જીવંત છે જયારે રાજયસભાના પાંચ ઉમેદવાર હોવાથી એક ઉમેદવારે જીતવા માટે ૩૪.૪૩ મતની જરૂર પડે તેમ છે તેની સામે ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો છે અને તેના મત ત્રણ ઉમેદવાર વચ્ચે વહેંચાય તો એક ઉમેદવારને ૩૪.૩૩ મત મળે તેમ છે. એન.સી.પી.ના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને ખૂલ્લો ટેકો જાહેર કર્યો છે તેથી ભાજપમાં ૩ .મેદવારને જીતવા માટેના મતનું ગણિત પુરુ થઇ ગયું છે. જયારે કોંગ્રેસ પાસે ૬૫ ધારાસભ્યો રહ્યા છે તેના બે ઉમેદવારો પૈકી એકને જીતવા માટે ૩૪.૪૩ મત જરૂરી છે જયારે બીજા ઉમેદવાર માટે માત્ર ૩૧ મત જ વધે છે. આમ નવી સ્થિતિ મુજબ કોંગ્રેસના શકિતસિંહ અથવા ભરતસિંહ પૈકી એક જ ઉમેદવાર રાજય સભામાં જઇ શકશે. કોંગ્રેસ આ બે પૈકી શકિતસિંહને એક નંબરના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. જયારે ભરતસિંહ સોલંકીએ પણ દિલ્હી સુધી ધમપછાડા શરૂ કર્યા છે. પરંતુ તેણે પોતાના બળે વિજય મેળવવો પડશે.

નોંધનીય છે કે ભાજપે રાજરમત રમીને રાજયસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ધારાસભ્યોને ખેડવવાની ખેલેલી રમતને પગલે કોંગ્રેસની છાવણીમાં હાલના સંજોગોમાં સન્નાટો વ્યાપી ગયો છે.

(2:55 pm IST)