Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ન્યુયોર્કમાં એક વૃધ્ધને ધક્કો મારતાં તેનું માથું ફાટી ગયું

અમેરિકન પોલીસની ક્રૂરતાને વધુ એક વિડિયો વાઇરલ

વોશિંગ્ટન,તા.૬:અમેરિકામાં એક અશ્વેત નાગરિક જયોર્જ ફલોઇડનાં મોત બાદ ભડકેલ વિરોધ પ્રદર્શન હજુ પણ શાંત થયું નથી અને અમેરિકન પોલીસની વધુ એક કૂરતા સામે આવી છે. ન્યુ યોર્ક પોલીસે હથિયાર વગરના એક ૭૫ વર્ષના વૃદ્ઘ પ્રદર્શનકારીને એવો ધક્કો માર્યો કે જમીન પર પડી જતાં પ્રદર્શનકારીનું માથું ફાટી ગયું અને તેઓ બેભાન થઈ ગયા હતા. પ્રદર્શનકારીને લોહી નીકળતું જોયા બાદ પણ પોલીસકર્મી તેની મદદ માટે થોભતા નથી.  જયોજ ફ્લોઇડ નામના એક અશ્વેત નાગરિકનાં મોત બાદ અમેરિકાનાં કેટલાંય શહેરોમાં હિંસક પ્રદર્શન ચાલુ છે. આ બધાની વચ્ચે ગુરુવારે વોશિંગ્ટનના લિંકન મેમોરિયલની બહાર પ્રદર્શન કરી રહેલા લોકોનો ગુસ્સો અચાનક ભડકી ઊઠ્યો અને તેમણે પોલીસવાળાઓ પર ખાલી બોટલોથી હુમલો કર્યો. દેશભરમાં પ્રદર્શનોની વચ્ચે ૧૦,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. તો આ દરમ્યાન ૧૨થી વધુ લોકોનાં મોત થયાં છે. કેલિફોર્નિયામાં પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું હતું.

પ્રદર્શનકારીઓની સામે પોલીસ તરફથી રબર અને પ્લાસ્ટિક બુલેટ પણ છોડવામાં આવી રહ્યા છે. પ્રદર્શન દરમ્યાન કેટલાક લોકો આ બુલેટનો શિકાર બન્યા છે. પોલીસ ભીડ પર ફલેશબેંગ્સના ગ્રેનેડ પણ છોડી રહી છે.

(3:36 pm IST)