Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભારતીય અર્થતંત્રની હાલત ખરાબઃ સુધરવામાં વર્ષો લાગશે

દેશમાં લોકડાઉનને લીધે પૂરવઠો અને માંગને અસર પહોંચી

નવી દિલ્હી તા. ૬ : રિઝર્વ બેંક મોનિટરી પોલિસી કમિટીની બેઠક શુક્રવારે સમાપ્ત થઈ. બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શકિતકાંત દાસે જણાવ્યું છે કે કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થા પર થયેલી અસર અંદાજ કરતા ઘણી વધારે છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણા વર્ષનો સમય લાગી શકે છે.

રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠક પ્રત્યેક બે મહિને યોજાય છે. પ્રસ્તાવિત બેઠક ૩-૫ જૂન વચ્ચે હતી પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ૨૦-૨૨ મે દરમિયાન બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠકમાં રિઝર્વ બેંકે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ૪૦-૪૦ બેઝિસ પોઈન્ટ ઘટાડવાનો નિર્ણય કર્યો હતો.

શકિતકાંત દાસે કહ્યું છે કે માંગમાં મોટો ઘટાડો થયો છે. દેશમાં બે મહિના જેટલો સમય લોકડાઉન રહ્યું. તેવામાં સપ્લાય અને ડિમાન્ડ બંનેને અસર પહોંચી છે. હવે લોકડાઉનમાં રાહત આપવામાં આવી છે જેનાથી સપ્લાય સાઈડની સમસ્યા ધીમે ધીમે દૂર થઈ રહી છે પરંતુ ડિમાન્ડ સાઈડની સમસ્યા યથાવત છે.

દાસે કહ્યું છે કે કૃષિ એકમાત્ર સેકટર છે જયાં તેજી જોવા મળી છે. આ વર્ષે સારા વરસાદની આગાહી છે તેના કારણે કૃષિ સેકટરમાં હજી વધારે તેજી આવશે. આ ઉપરાંત અન્ય તમામ સેકટરની પરિસ્થિતિ ખરાબ છે. છેલ્લા બે મહિનામાં જેટલા પણ સંકેત મળ્યા છે તે નિરાશાજનક છે.

તાજેતરમાં જ ૨૦૧૯-૨૦ના ચોથા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક રિપોર્ટ આવ્યો છે. સમગ્ર નાણાકિય વર્ષમાં વિકાસ દર ૧૧ વર્ષના સૌથી નીચલા સ્તરે ૪.૨ ટકા રહ્યો છે. ચોથા ત્રિમાસિકમાં વિકાસ દર ૩.૧ ટકા હતો.

(11:03 am IST)