Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ડેથરેટના મામલે દિલ્હી-મુંબઇથી પણ આગળ છે અમદાવાદઃ સ્થિતી ગંભીર

પ્રતિ દસ લાખની વસ્તી પર કોરોના ડેથ રેટના મામલે અમદાવાદ પછી મુંબઇ બીજા ક્રમેઃ સારી સ્થિતી બેંગ્લોરની

નવી દિલ્હી,તા.૬:દેશમાં હાલ ભલે દિલ્હી અને મુંબઈ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરો લાગે. પરંતુ આ બંને મેટ્રો સિટીથી અડધી વસ્તી ધરાવતા અમદાવાદમાં કોરોનાથી થતા મૃત્યુનો દર સૌથી વધારે છે. ૫૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પણ અમદાવાદમાં દર દસ લાખની વસ્તીએ કોરોનાથી થયેલા મોતનું પ્રમાણ સૌથી ઉંચું છે. એટલું જ નહીં, કોરોનાના દર ૧૦૦ દર્દીએ મોતને ભેટતા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં જ સૌથી ઉંચી છે.

દર ૧૦ લાખની વસ્તીએ અમદાવાદમાં કોરોનાથી ૧૧૫ લોકોના મોત થયા છે. આ જ પ્રમાણ મુંબઈમાં ૮૦નાં છે. ચોંકાવનારી વાત એ છે કે, બેંગલોર જેવા શહેરમાં દર દસ લાખે કોરોનાથી મોતને ભેટેલા લોકોની સંખ્યા માત્ર ૧ છે. કેસ ફર્ટિલિટી રેટ (CFR) એટલે કે કોરોનાના દર ૧૦૦ દર્દીઓએ થતાં મોતના પ્રમાણની વાત કરીએ તો ચેન્નૈમાં આ પ્રમાણ માત્ર ૦.૯ ટકા છે. આ તમામ ડેટા શુક્રવાર સવાર સુધીનો છે. તેમાં આવરી લેવાયેલા ૫૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં તેની આસપાસના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદનો CFR ૬.૦ થાય છે. કેટલાક એકસપર્ટ્સનું માનીએ તો શહેરમાં ટેસ્ટ ઓછા થતાં હોવાથી CFR ઘણો ઉંચો છે. જોકે, દર દસ લાખની વસ્તીએ અમદાવાદમાં કોરોનાથી જેટલા મોત થયા છે તે બતાવે છે કે શહેરમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. અમદાવાદમાં ન માત્ર ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે દર્દીઓને યોગ્ય સારવાર પણ નથી મળી રહી તેવું આ આંકડા દર્શાવે છે.

અત્યારસુધી શહેરમાં થયેલા કુલ મોતનો આંકડો ૯૫૩ થાય છે. મુંબઈ (૧,૬૯૮) બાદ અમદાવાદ કુલ મૃત્યુઆંકમાં બીજા નંબરે આવે છે. ત્યારબાદ દિલ્હી ૬૫૦ લોકોના મોત સાથે ત્રીજા નંબરે આવે છે. બેંગલુરુમાં માત્ર ૪૨૮ કેસ નોંધાયા છે અને મોતને ભેટેલા લોકોની સંખ્યા માત્ર ૧૪ છે.

ઘણા શહેરો દ્વારા સ્થિતિ કાબૂમાં છે તેવું ચિત્ર ઉભું કરવા માટે રિકવરી રેટનો આંકડો આગળ કરાઈ રહ્યો છે. જોકે, એકસપર્ટ્સ વારંવાર જણાવી રહ્યા છે કે કોરોનાના ૯૦ ટકા દર્દીઓ સાજા થઈ જાય તેવી પૂરી સંભાવના હોય છે. સમય સાથે રિકવરી રેટ પણ ઉંચો જવાનો જ છે. જોકે, માત્ર રિકવરી રેટનો આંકડો કોરોના સામેની લડાઈ કેટલી કારગત છે તે દર્શાવવા પૂરતો નથી ઉલ્ટાનો ગેરમાર્ગે દોરનારો છે.

દેશમાં ૫૦ લાખથી વધુ વસ્તી ધરાવતા ૯ શહેરોમાં કોરોનાના ૧.૩ લાખ (લગભગ ૬૦ ટકા) કેસો છે. જેમાંથી ૪,૨૯૯ દર્દીઓના અત્યારસુધી મોત થઈ ચૂકયા છે. આ શહેરોમાં તેની આસપાસના નાના-મોટા શહેરી વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે. જેમ કે, અમદાવાદની સાથે ગાંધીનગરને પણ ગણતરીમાં લેવાયું છે. મુંબઈ સાથે થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, મીરા ભાયંદર તેમજ ઉલ્હાસનગરને પણ મુંબઈમાં જ ગણવામાં આવ્યા છે.

(11:02 am IST)