Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોવિડ-૧૯: ભારત ઇટાલીથી આગળઃ વિશ્વમાં છઠ્ઠા ક્રમે

ભારતમાં અનલોક-૧ની શરૂઆત બાદ કોરોનાનાં કેસ વધ્યાઃ ગઇ સાંજ સુધી ભારત સાતમા ક્રમે હતું: ભારતમાં ૨,૩૬,૧૧૭ કેસ તો ઇટાલીમાં છે ૨,૩૪,૦૧૩: આજે જ ભારત સ્પેનને પણ પાછળ રાખી દેશે

નવી દિલ્હી,તા.૬:દેશમાં કોરોનાના નવા કેસ રોજેરોજ નવો જ રેકોર્ડ બનાવી રહ્યા છે. ૦૫ જૂનના રોજ તમામ રાજયોના થઈને દેશમાં ૯૬૦૦થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સતત બીજા દિવસે દેશમાં ૯,૦૦૦થી વધુ દર્દીઓ નોંધાયા છે. જયારે ગઈકાલે કોરોનાના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો ૨૯૫ને આંબ્યો હતો. નવા કેસોમાં મોટા ઉછાળાને લીધે હવે ભારતમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા ઈટાલી કરતા પણ વધી ગઈ છે.

ભારત હાલની સ્થિતિએ વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ કોરોનાના દર્દી ધરાવતો દેશ બની ગયો છે. દેશમાં અત્યારસુધી કુલ ૨,૩૬,૧૧૭ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અત્યારે જે ગતિએ નવા કેસ વધી રહ્યા છે તેને જોતા શનિવારે જ ભારત સ્પેનને પણ ઓવરટેક કરી લે તેવી સ્થિતિ છે. દેશમાં ગુરુવારે નોંધાયેલા નવા કેસોની સંખ્યા રશિયા કરતા વધારે અને બ્રાઝિલ તેમજ અમેરિકા કરતા થોડી ઓછી હતી.

મહારાષ્ટ્રમાં હજુય સ્થિતિ કાબૂ બહાર છે. રાજયમાં ગઈકાલે વધુ ૧૩૯ લોકોના મોત થયા હતા. જયારે દિલ્હીમાં ૫૮ અને ગુજરાતમાં ૩૫ લોકોના મોત નોંધાયા છે. આ ઉપરાંત, તમિલનાડુ અને યુપીમાં ૧૨ અને બંગાળમાં ૧૧ દર્દીઓના મોત થયા છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં ૨૪૩૬, તમિલનાડુમાં ૧૪૩૮, ગુજરાતમાં ૫૧૦, યુપીમાં ૫૦૨, બંગાળમાં ૪૨૭, છત્ત્।ીસગઢમાં ૧૦૬, ઝારખંડમાં ૯૬ કેસો નોંધાયા હતા.

આ સિવાય દિલ્હીમાં પણ ગઈકાલે ૧૩૩૦, હરિયાણામાં ૩૧૬, એમપીમાં ૨૩૪, જમ્મુ-કાશ્મીરમાં ૧૮૨ અને રાજસ્થાનમાં પણ ગઈકાલે ૨૨૨ નવા કેસો નોંધાયા છે. આમ, આ રાજયોમાં પણ નવા કેસોમાં વધારો સતત ચાલુ જ છે. બીજી તરફ, મહારાષ્ટ્રમાં ગઈકાલે અત્યારસુધીના સૌથી વધુ મૃત્યુ એક દિવસમાં નોંધાયા છે. રાજયમાં ગઈકાલે ૧૩૯ લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં અત્યારસુધી ૨૮૪૯ લોકો મોતને ભેટી ચૂકયા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ ૩૮૪ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ કેસોની સંખ્યા પણ હવે ૮૦,૨૨૯ થઈ ગઈ છે. જેમાં સૌથી વધારે કેસ મુંબઈના જ છે. માત્ર મુંબઈમાં જ ગઈકાલે ૫૪ લોકોના મોત થયા હતા. જોકે, તંત્રનો દાવો છે કે મુંબઈમાં કેસ ડબલિંગ રેટ ૧૨ દિવસથી વધીને ૨૦ દિવસ થયો છે. ગુજરાતમાં પણ નવા કેસોમાં સતત ઉછાળો થઈ રહ્યો છે. ગઈકાલે રાજયમાં ૫૧૦ નવા કેસ નોંધાયા હતા. જેમાંથી ૩૨૪ માત્ર અમદાવાદના હતા. આ સિવાય સુરતમાં ૬૭, વડોદરામાં ૪૫ અને ૨૧ કેસો ગાંધીનગરમાં સામે આવ્યા હતા. જુન મહિનામાં અમદાવાદમાં બીજીવાર એક દિવસમાં ૩૦૦થી વધારે કેસો નોંધાયા છે.

યુપીમાં પણ સ્થિતિ વણસી રહી છે. રાજયમાં ગઈકાલે ૫૦૧ નવા કેસ નોંધાયા હતા. રાજયના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર, બીજા રાજયોમાંથી આવેલા લોકોને કારણે યુપીમાં કેસ વધી રહ્યા છે. આવી જ સ્થિતિ રાજસ્થાનની પણ છે. અહીં ગઈકાલે ૨૨૨ નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ, જયાં કોરોના કાબૂમાં આવી ચૂકયો હતો તેવા કેરળમાં પણ શુક્રવારે ૧૧૧ નવા કેસ સામે આવ્યા હતા.

(11:02 am IST)