Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

દેશમાં ૨૪ કલાકમાં ૯૮૮૭ કેસઃ ૨૯૪ લોકોના મોત

કોરોના પીછો છોડતો જ નથીઃ રોજબરોજ કેસની સંખ્યા અને મૃત્યુઆંક વધતો જ જાય છેઃ લોકડાઉન પુરૂ થયા પછી કેસમાં સતત ઉછાળોઃ દેશમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૨૩૬૬૫૭ અને કુલ મૃત્યુઆંક ૬૬૪૨નો છેઃ સૌથી વધુ મૃત્યુઆંક મહારાષ્ટ્રમાં નોંધાયો છે

નવી દિલ્હી, તા. ૬ :. કોરોના વાયરસથી નિપટવા માટે લગાવવામાં આવેલા ૪ તબક્કાના લોકડાઉન બાદ દેશ અનલોક-૧ તરફ ચાલી રહ્યો છે, પરંતુ ચિંતાની વાત એ છે કે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડાને બદલે વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પર્યાવરણ કલ્યાણ મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૮૭ નવા કેસ સામે આવ્યા છે અને ૨૯૪ લોકોના મોત થયા છે. તે પછી દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૨૩૬૬૫૭ થઈ છે. જેમાંથી ૧૧૫૯૪૨ સક્રિય કેસ છે, ૧૧૪૦૭૩ લોકો સાજા થયા છે અથવા રજા આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૬૬૪૨ લોકોના મોત થયા છે.

 સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૮૭ કેસ નવા સામે આવ્યા છે અને ૨૯૪ લોકોના મોત થયા છે. જે રીતે આંકડા આવે છે તે જોતા ગઈકાલના મુકાબલે આજે કોરોના કેસના નવા કેસ અને મરનારની સંખ્યામાં વધારો થયો છે.  દિલ્હીમાં કોરોનાનો કહેર જારી છે. ૨૪ કલાકમાં ૧૩૩૦ નવા કેસ સામે આવ્યા છે અને ૨૫ના મોત થયા છે. કુલ કેસ ૨૬૩૩૪ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ દર્દી મળ્યા છે. રાજ્યમાં ૮૦૨૨૯ કોવિડ-૧૯ના દર્દીઓ છે. જેમાથી ૪૨૨૨૪ સક્રિય દર્દી છે અને અત્યાર સુધીમાં ૨૮૪૯ લોકોના મોત થયા છે. તામીલનાડુમાં ૨૮૬૯૪ કેસ અને ૨૩૨ના મોત થયા છે. દિલ્હીમાં ૨૬૩૩૪ કેસ અને ૭૦૮ લોકોના મોત થયા છે. આંધ્રમાં ૪૩૦૩ કેસ છે. ગુજરાતમાં કુલ કેસ ૧૯૦૯૪ થઈ ગયા છે તો હરીયાણામાં ૩૫૯૭ કેસ થયા છે. યુપીમાં ૧૦ હજાર જેટલા કેસ થયા છે અને ૨૫૭ લોકોના મોત થયા છે.

(11:01 am IST)