Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

બાબા અમરનાથ યાત્રાની પ્રથમ પૂજા સંપન્ન

ઇતિહાસમાં પહેલી વખત ચંદનવાડીને બદલે જમ્મુમાં કરાઈ પૂજા- ૨૩મી જૂનથી યાત્રા શરૂ કરાય તેવી શકયતા

જમ્મુ, તા.૬: કોરોના વાઈરસને કારણે ઈતિહાસમાં પહેલી જ વાર વાર્ષિક અમરનાથ યાત્રા માટે જયેષ્ઠ પૂર્ણિમાને દિવસે કરવામાં આવતી પ્રથમ પૂજા શુક્રવારે ચંદનવાડીને બદલે જમ્મુમાં સંપન્ન થઈ હતી.

જોકે, અમરનાથ યાત્રાના આરંભ અંગે હજુ પણ અચોક્કસતા પ્રવર્તી રહી હોવા વચ્ચે અમરનાથ સાઈન બોર્ડ યાત્રા ૧૫મી જુલાઈએ શરૂ કરી રક્ષાબંધનના દિવસે એટલે કે ૩ ઓગસ્ટે પૂરી કરવા મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આ બાબતને હજુ સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું.

સૈદ્ઘાંતિક રીતે આ યાત્રાને રદ કરતા યાત્રાનું પ્રતીક ગણાતી છડી મુબારકને આ વરસે હેલિકોપ્ટર મારફતે ગુફા સુધી લઈ જવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર બાલતાલ માર્ગે થોડાક હજાર લોકો માટે યાત્રાનું આયોજન કરવાની પણ કવાયત ચાલી રહી છે.

જોકે, પ્રશાસન કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને તેને ટાળવાની કોશીશ કરી રહ્યું છે.

આ પૂજામાં શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના મુખ્ય સભ્યો, વિશ્ર હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ રાજેશ ગુપ્તા સહિતના લોકોએ ભાગ લીધો હતો. જમ્મુ-કાશ્મીર સહિત દેશમાં કોરોના વાઈરસના પ્રકોપનો અંત આવે તેવી પ્રાર્થના સાથે ઉપસ્થિત તમામ લોકોએ હવન-યજ્ઞમાં આહૂતિ આપી હતી.

પ્રથમ જ વાર એવું બન્યું છે કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને લીધે વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ જ શરૂ નથી થઈ શકી અને યાત્રાના બંને માર્ગ (ચંદનવાડી અને બાલતાલ) બરફથી ઢંકાયેલા છે.

અગાઉ આ પૂજા ચંદનવાડીમાં કરવામાં આવતી હતી, પરંતુ આ પહેલી જ વાર છે કે જમ્મુ-કાશ્મીર પ્રશાસને કોરોનાને કારણે આ પૂજા ચંદનવાડીને બદલે જમ્મુમાં કરાવવી પડી છે.

બોર્ડના કાર્યાલયમાં વિધિવત પૂજા-અર્ચના કરીને એક રીતે જોવા જઈએ તો યાત્રાનો આરંભ કરી જ દેવામાં આવ્યો છે.

જોકે, શ્રાઈન બોર્ડે યાત્રાનાં રજિસ્ટ્રેશન અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો.

સૂત્રોના જણાવ્યાનુસાર બાઙ્ખર્ડે યાત્રા શરૂ કરવાની પ્રસ્તાવિત તારીખ ૨૩ જૂન નક્કી કરી રાખી છે.

આ વખતે અમરનાથ યાત્રાને ૧૫ દિવસ પૂરતી સીમિત રાખવામાં આવે તેવી શકયતા છે.

આગામી થોડાક દિવસમાં શ્રાઈન બોર્ડની મળનારી બેઠકમાં યાત્રા શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે.

ઓનલાઈન કે ઈલેકટ્રોનિક માધ્યમ મારફતે દેશના મોટાભાગના શ્રદ્ઘાળુઓ બરફના શિવલિંગનાં દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવા અંગે પણ બોર્ડ ચર્ચાવિચારણા કરી રહ્યું છે એમ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

(10:10 am IST)