Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ભારતમાં કોરોનાએ ચિંતા વધારીઃ અઠવાડિયામાં ૬૧૦૦૦ કેસઃ શું ફરીથી લોકડાઉન લાગશે?

ફોર્ટિસ હોસ્પિટલના ડોકટર વિકાસ મૌર્યએ કહ્યુઃ 'જયારે તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવશે તો કેસ વધશે, પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે સ્થિતિ કાબૂ બહાર ન જતી રહે, આવું થશે તો ફરીથી લોકડાઉન લાગૂ કરવું પડશે'

નવી દિલ્હી, તા.૬: દેશમાં અનેક ક્ષેત્ર ખોલી દેવામાં આવ્યા બાદ કોરોના ચેપના કેસ વધી રહ્યા છે. ગત એક અઠવાડિયામાં દેશમાં કોરોનાના ૬૧ હજાર જેટલા કેસ વધી ગયા છે. જે બાદમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે કે જો હાલત કાબૂમાં નહીં આવે તો ફરીથી લોકડાઉન લગાવવું પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં રેકોર્ડ ૯,૮૫૧ કેસ સામે આવ્યા છે, જયારે ૨૭૩ લોકોનાં મૃત્યું થયા છે. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૨,૨૬,૭૭૦ પર પહોંચી ગઈ છે, જયારે મૃત્યુંનો આંકડો ૬,૩૪૮ પર પહોંચી ગયો છે. સતત ત્રીજા દિવસે કેસમાં સૌથી વધારો નોંધાયો છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટર પર અમુક આંકડા જાહેર કર્યાં છે. જે પ્રમાણે સ્પેન, જર્મની, ઇટાલી અને બ્રિટન સહિતના મોટાભાગના દેશોએ લોકડાઉનમાં ત્યારે છૂટ આપી હતી જયારે કોવિડ-૧૯ના ગ્રાફ સમતલ થઈ ગયો હતો અથવા નીચે જવા લાગ્યો હતો. ભારતમાં કોવિડ-૧૯નો ગ્રાફ લોકડાઉન દરમિયાન સતત વધતો રહ્યો છે. ૩૧મી મેના રોજ પૂર્ણ થયેલા લોકડાઉન ૪.૦ અને ત્યાર પછી સંક્રમણના કેસની સંખ્યા વધી રહી છે.

હાલ સંક્રમણના કેસમાં ભારત દુનિયાના સાતમાં નંબર પર પહોંચી ગયું છે. ભારત પહેલા અમેરિકા, બ્રાઝિલ, રશિયા, બ્રિટન, સ્પેન અને ઇટાલી આવે છે. શાલીમાર સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના ફેંફસા રોગ વિભાગના નિર્દેશક ડોકટર વિકાસ મૌર્યએ કહ્યું કે, 'જયારે તબક્કાઓમાં લોકડાઉન ખોલવામાં આવશે તો કેસ વધશે. લોકડાઉનનો ઉપયોગ મહામારી સામે લડવા અને તેના પ્રકોપને રોકવા માટે કરવામાં આવે છે. જયારે તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવશે તો કેસ વધશે, પરંતુ ધ્યાન એ વાતનું રાખવાનું છે કે સ્થિતિ કાબૂ બહાર ન જતી રહે, આવું થશે તો ફરીથી લોકડાઉન લાગૂ કરવું પડશે.'

ડોકટરે અરવિંદે આપી સલાહજાણીતા ફેંફસા રોગ નિષ્ણાત ડોકટર અરવિંદ કુમારે કહ્યું કે, એ વાતની ખાતરી કરવી રહી કે લોકો સ્વયઃ લોકડાઉનનું પાલન કરે. આ ઉપરાંત ચાર મહત્ત્વપૂર્ણ સિદ્ઘાંતોનો અમલ કરે. જેમાં જરૂર ન હોય તો બહાર ન નીકળવું, હંમેશા માસ્ક પહેરીને રાખવું, બીજા લોકોથી અંતર બનાવીને રાખવું અને હાથને સતત ધોતા રહેવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, 'હાલ એવી હાલત નથી કે ફરીથી લોકડાઉન લગાવવું પડે, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જશે તો ચોક્કસ ફરીથી લોકડાઉન લગાવવું પડશે.'

(10:08 am IST)