Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પગપાળા ચાલવાની અને સાઇકલ ચલાવવાની આદત વધશે

ગુગલ મોબિલીટી ડેટાનું વિશ્લેષણ અને સર્વે : સરકારને સારા સાઇકલ ટ્રેક બનાવવા સલાહ

નવી દિલ્હી તા. ૬ : કોરોના ભલે આપણા બધા માટે ચિંતાનું કારણ બન્યો હોય પણ તે આપણા જીવનમાં કેટલાક સારા ફેરફારો પણ લાવવાનો છે. પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર (સીએસઇ)ના અભ્યાસ અનુસાર, મહામારી પછી પાંચ કિલોમીટરથી ઓછું અંતર પગપાળા અથવા સાયકલ દ્વારા પુરૂ કરનારાઓની સંખ્યા ૪૩ ટકા સુધી પહોંચવાની શકયતા છે. એટલું જ નહીં નાના અંતર માટે કાર અથવા બસનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ઘટશે.

સંસ્થાએ ગુગલ મોબીલીટી ડેટાનું વિશ્લેષણ અને લોકોના સર્વેના આધારે આ તારણ કાઢયું છે. સીએસઇનો અંદાજ છે કે મહામારીનું જોર ઘટયા પછી લોકોમાં સામાજીક અંતર રાખવાની આદત જળવાઇ રહેશે. લોકો વધુ ભીડભાડવાળી મુસાફરીથી બચવાનો પ્રયત્ન કરશે. સીએસઇ અનુસાર, ઓછા અંતર માટે અત્યારે ૧૪ ટકા લોકો જ સાઇકલ ચલાવવાનું અથવા પગપાળા જવાનું પસંદ કરે છે પણ આ સંખ્યા વધીને ૪૩ ટકાએ પહોંચવાની પુરી શકયતા છે.

નાના અંતરની મુસાફરી માટે કારના ઉપયોગમાં પણ ઘટાડાની શકયતા છે. અભ્યાસ અનુસાર, પાંચ કિલોમીટરના અંતર માટે અત્યારે ૨૩ ટકા લોકો કારનો ઉપયોગ કરે છે પણ કોરોના મહામારી પત્યા પછી તેમાં ઘટાડો થશે અને ૧૭ ટકા લોકો જ કારનો ઉપયોગ કરશે.

(10:05 am IST)