Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

સોમવારથી ફરી ધમધમશે મોલ્સ, ધાર્મિક સ્થળો અને હોટલો

તમામ જગ્યાએ સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્કનું ફરજીયાત પાલન કરવુ પડશેઃ મંદિરોમાં પ્રસાદ નહિ મળેઃ ભગવાનને સ્પર્શ નહિ કરી શકાયઃ શોપીંગ મોલ્સ, હોટલ, રેસ્ટોરન્ટને લઈને આકરી ગાઈડ લાઈનઃ ભીડ એકઠી થવા નહિ દેવાયઃ મોલ્સમાં દુકાનો ખુલશે પરંતુ સિનેમા ઘરો નહિ

નવી દિલ્હી, તા. ૬ :. સોમવારથી શરતોને આધીન ખુલશે મોલ, મંદિર, મસ્જિદ, હોટલ અને રેસ્ટોરન્ટ સરકારની ગાઈડ લાઈન અનુસાર આ બધુ ખુલી રહ્યુ છે. મંદિરો અને ધાર્મિક સ્થળો ખુલશે પરંતુ ભાવિકોને પ્રસાદ નહિ મળે એટલુ જ નહિ શ્રધ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહિ શકે અને ચરણામૃત પણ નહિ લઈ શકે. પૂજા કરતી વેળાએ ૬ ફૂટનું અંતર રાખવું પડશે. બુટ, ચપ્પલ પણ ગાડીમાં જ રાખવા પડશે. લોકોને ધાર્મિક સ્થળ, રેસ્ટોરન્ટ અને મોલમાં ૬ ફુટનુ અંતર, મોઢા પર માસ્ક, સેનીટાઈઝેશન અને થર્મલ સ્ક્રીનીંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવુ પડશે. ભાવિકો ઘંટ વગાડી નહિ શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહિ કરી શકે.

મંદિરોમાં ન તો સામુહિક અનુષ્ઠાન થઈ શકશે કે નહિ તો શ્રધ્ધાળુ પ્રસાદ ચડાવી શકશે. મંદિરમાં ભગવાનથી ૬ ફુટ દૂર રહીને દર્શન કરવાના રહેશે.

પ્રશાસને રેસ્ટોરન્ટ માટે પણ ગાઈડ લાઈન જારી કરી છે. જે અનુસાર રેસ્ટોરન્ટમાં જઈને જમવાને બદલે હોમ ડીલીવરીને પ્રોત્સાહન અપાશે. કર્મચારીઓએ માસ્ક પહેરવાના રહેશે. રેસ્ટોરન્ટનું સંકુલ, પાર્કિંગ અને આસપાસના વિસ્તારમાં લોકોએ શારીરિક અંતર રાખવુ પડશે. ટેબલો વચ્ચે પણ જરૂરી અંતર રાખવામાં આવશે. રેસ્ટોરન્ટમાં બેસવાની ક્ષમતાના મુકાબલે હવે ૫૦ ટકા લોકો જ એક સાથે બેસીને જમી શકશે.

શોપીંગ મોલમાં ભીડ ન થાય તે જોવાનુ રહેશે. મોલની અંદરની દુકાનો ખુલશે પરંતુ ગેમીંગ અને બાળકોને રમવાની જગ્યા તથા સિનેમા હોલ બંધ રહેશે. શોપીંગ મોલમાં એસીને ૨૪ થી ૩૦ ડીગ્રી અને હ્યુમીનીટીને ૪૦ થી ૭૦ રાખવા નિર્દેશ અપાયો છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવા ફલોર પર માર્કિંગ કરવુ પડશે કે જેથી લોકો ૬ ફુટનું અંતર રાખી લાઈનમા ઉભા રહી શકે.

સરકારના આદેશો મુજબ કન્ટેઈનમેન્ટ ઝોનની અંદર ધાર્મિક સ્થળ, રેસ્ટોરન્ટ અને શોપીંગ મોલ હજુ પણ બંધ રહેશે. કોવિડ-૧૯ સાથે જોડાયેલી માહિતીવાળા પોસ્ટર અને બેનર ધાર્મિક સ્થળ સંકુલમાં લગાવવા પડશે.

સરકારે ૬૫ વર્ષથી વધુ વયના અને ૧૦ વર્ષની નાના બાળકોને બહાર ન નિકળવા સલાહ આપી છે.

(10:12 am IST)