Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક પર રેપનો આરોપ

અમેરિકી બ્લોગર સનસનાટી મચાવે છે

ઈસ્લામાબાદ, તા. ૬ :. પાકિસ્તાનમાં રહેતી અમેરિકી બ્લોગર સિંથિયા ડી. રિચીએ પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક ઉપર દુષ્કર્મનો આરોપ મુકયો છે. સાથોસાથ રિચીએ આરોપ પણ મુકયો છે કે પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ તેણીને માનસિક રીતે પરેશાન કરી હતી.

ફેસબુક લાઈવમાં અમેરિકી બ્લોગરે આરોપ મુકયો છે કે વર્ષ ૨૦૧૧માં પૂર્વ ગિલાની સહિત પીપલ્સ પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ મને માનસિક રીતે હેરાન કરી હતી. રિચીએ કહ્યુ હતુ કે એ દરમિયાન તે ઈસ્લામાબાદ સ્થિત પ્રેસિડેન્ટ હાઉસમાં રહેતી હતી. હાલ તેણી પીએમ ઈમરાન ખાનની સોશ્યલ મીડીયા ટીમમાં છે.

એક પછી એક ટ્વીટ કરી તેણીએ આરોપોને લઈને માહિતી આપી છે. તેણીએ ટ્વીટમાં કહ્યુ છે કે આ ઘટના ૨૦૧૧માં ગૃહમંત્રીના ઘરે થઈ હતી તે સમયે જ લાદેન માર્યો ગયો હતો. મને લાગ્યુ કે મારા વિઝા માટે મને બોલાવી છે પરંતુ મને ત્યાં પહોંચવા પર ફુલ અને નશીલો પદાર્થ આપવામા આવ્યો હતો.

રિચીએ કહ્યુ હતુ કે હું ચૂપ રહી કારણ કે પીપીપી સરકારમાં ગૃહમંત્રી વિરૂદ્ધ મારી કોણ મદદ કરે. હાલમાં જ તેઓએ મારા પરિવાર પર પ્રહાર કર્યો હતો તેથી મારે આ ખુલાસો કરવો પડયો છે.

તેણીએ દાવો કર્યો છે કે આ ઘટના અંગે મેં અમેરિકી દુતાવાસને પણ જણાવ્યુ છે પરંતુ રાજકીય અસ્થિરતાને કારણે તેઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અમેરિકી બ્લોગરે કહ્યુ છે કે હું હજુ પાકિસ્તાનના એક જાણીતા વ્યકિત સાથે સંબંધમા છું તેણે મને બોલવા માટે પ્રોત્સાહન આપ્યુ છે.

(10:04 am IST)