Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

તેલંગાણા : ૧૮ પૈકી ૧૨ કોંગ્રેસી ધારાસભ્યો ખફા

કોંગ્રેસના ધારાસભ્યો ટીઆરએસમાં જોડાશે : વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી જાણ કરી : પંજાબ બાદ તેલંગાણામાં હવે કોંગ્રેસ પક્ષને મરણતોળ ફટકો પડી શકે

હૈદરાબાદ, તા. ૬ : પંજાબમાં પોતાના બે મોટા નેતાઓ અમરિન્દરસિંહ અને નવજોતસિદ્ધૂની પારસ્પરિક લડાઈથી પરેશાન કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પાર્ટીને આ ફટકો તેલંગાણામાં લાગ્યો છે જ્યાં તેના ૧૮માંથી ૧૨ ધારાસભ્યોએ સત્તારુઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી લીધી છે. આ ૧૨ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને પાર્ટી બદલી દેવા માટેની માહિતી આપી દીધી છે. કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યો અન્ય પાર્ટીમાં જવાના લીધે તેમની મેમ્બરશીપ જશે નહીં. કારણ કે, બે તૃતિયાંશ સભ્યો બીજી પાર્ટીમાં જવાની સ્થિતિમાં પાર્ટી બદલવા સાથે સંબંધિત કાનૂન લાગૂ થશે નહીં. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ટીઆરએસને ૧૧૯ પૈકીની ૮૮ સીટો મળી છે અને પોતાની બહુમતિ સાથે સરકાર બનાવી છે. અહીં કોંગ્રેસને માત્ર ૧૮ સીટો મળી છે. ચૂંટણી બાદથી જ કોંગ્રેસની સ્થિતિ ખુબ ખરાબ દેખાઈ રહી હતી. કોંગ્રેસના અનેક ધારાસભ્યો હજુ પણ પાર્ટીમાં નેતૃત્વને લઇને નારાજ છે. ટૂંક સમયમાં જ કેટલાક ધારાસભ્યો ટીઆરએસમાં સામેલ થઇ શકે છે. કોંગ્રેસના ૧૨ ધારાસભ્યોના ટીઆરએસમાં જવાના અહેવાલ ઉપર તેલંગાણા કોંગ્રેસ પ્રમુખ ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું છે કે, અમે તેમની સામે લોકશાહીરીતે લડીશું. વિધાનસભા અધ્યક્ષનો સંપર્ક કરી રહ્યા છે પરંતુ તેઓ દેખાઈ રહ્યા નથી. અત્રે નોંધનીય છે કે, ૧૮માંથી ૧૨ ધારાસભ્યોએ હવે અધ્યક્ષને પત્ર લખીને ટીઆરએસમાં મર્જ થવા માટેની માંગ કરી દીધી છે. ટીઆરએસમાંથી નિકળીને કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્ય રોહિત રેડ્ડી પણ આમા સામેલ છે. રોહિત રેડ્ડી ટૂંક સમયમાં જ ફરી એકવાર ટીઆરએસમાં જોડાઈ જશે. ટીઆરએસથી સસ્પેન્ડ થયા બાદ રેડ્ડીએ કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે ફરીવાર ટીઆરએસમાં સામેલ થશે.

(7:45 pm IST)