Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ પર શિવસેનાની નજરઃ અમિત શાહ પાસે કરી માગ

અમને આશા છે કે, શિવસેનાની માગનો સ્વિકાર કરવામાં આવશે : રાઉત

નવી દિલ્હી, તા. ૬ :  શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહને નવી લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની માગ કરી છે. લોકસભામાં શિવસેના ૧૮ બેઠક સાથે એનડીએની સૌથી મોટી પાર્ટી બની છે. નવી સરકારમાં શિવસેનાને દમદાર પોર્ટફોલિયો પણ મળ્યો છે.

ત્યારે આ મામલે શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યુ કે, શિવસેના લોકસભામાં નાયબ સ્પીકર પદની માગણી કરે છે. જેથી અમને આશા છે કે, શિવસેનાની માગનો સ્વિકાર કરવામાં આવશે. આ ઉપરાંત સંજય રાઉતે જણાવ્યુ કે, લોકસભામાં ભાજપને બહુમતી મળી તેમા અમને ખુશી છે.

પરંતુ શિવસેના પણ લોકસભામાં પદની ઈચ્છા ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે, શિવસેના બાદ જેડીયુ પણ કેન્દ્રમાં મોટા પદની માગણી કરી રહ્યુ છે. જેથી જેડીયુએ કેબિનેટમાં સામેલ થવાનો પણ ઈનકાર કર્યો છે.

લોકસભાની ચૂંટણી બાદ અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો સતત ગરમાઈ રહ્યો છે. ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે ૧૫મી જૂનના રોજ અયોધ્યાની મુલાકાતે જવાના છે. તેમની સાથે શિવસેનાના ૧૮ સાંસદો પણ હાજર રહેશે. ઉદ્ઘવ અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરશે.

આ સાથે શિવસેના અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાની માગ સાથે સરકાર પર દબાણ કરશે. શિવસેનાએ આ મામલે જણાવ્યુ કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દાને કાશ્મીરના મુદ્દાની જેમ જટીલ ન બનાવવોઙ્ગ જોઈએ.

મહત્વપૂર્ણ છે કે, ગત વર્ષે નવેમ્બર માસમાં શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ પોતાની પત્ની અને પુત્ર આદિત્ય ઠાકરે સાથે અયોધ્યાની મુલાકાત કરી હતી. તેમણે રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસને મંદિર નિર્માણ માટે ચાંદીની ઈટ ભેટમાં પણ આપી હતી.

(3:27 pm IST)