Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

હેલ્મેટ વગર વાહન ચલાવનારે રૂ. ર,૦૦૦નો દંડ ચુકવવો પડશે

કેન્દ્રીય પ્રધાન ગડકરી આગામી સત્રમાં આ કાયદો લાગુ કરાવશે

નવી દિલ્હી તા. ૬ :.. ત્રણ વર્ષથી અટકેલા સેન્ટ્રલ વિહિકલ એકટ -ર૦૧૬ ને સંસદમાં આ સત્રમાં ફરી વખત રજૂ કરાશે. હેલ્મેટ વગર વાહન ચલાવનાર પર રૂ. ર,૦૦૦નો દંડ થશે. હિટ એન્ડ રન કેસમાં પીડિતને રૂ. બે લાખના વળતર સહિત ઘણી  જોગવાઇઓ આ વિધેયકમાં સામેલ કરાઇ છે.

વાહન વ્યવહાર મંત્રાલયનું પદ સંભાળતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આ વાત કરી હતી. તેમણે કહયું કે આ સત્રમાં વિધેયક  પસાર કરવાની કોશિષ કરાશે. ૧૭ જુનથી સંસદનું સત્ર શરૂ થઇ રહ્યું છે. સંશોધિત વિધેયકમાં સગીર દ્વારા ગાડી ચલાવવા દરમિયાન થયેલી દુર્ઘટના પર માલિકને ત્રણ વર્ષની જેલની સજા અને દુર્ઘટનાનો શિકાર થયેલા પીડિતને ૧૦ ગણું વધુ વળતર આપવાની જોગવાઇ છે.

ગડકરીએ કહયું કે કેબિનેટ નોટ તૈયાર થઇ ચુકી છે. કેબિનેટની મંજૂરી મળ્યાા બાદ તેને લોકસભામાં રજૂ કરાશે. ગયા વર્ષે ઘણી અસહમતીઓના કારણે આ વિધેયક પસાર થઇ શકયું ન હતું. ત્યારબાદ સરકારે તમામ સુધારા કરી લીધા છે. આ વખતે બિલ પાસ થવામાં કોઇ સમસ્યા નહીં સર્જાય.

દારૂ પીને ગાડી ચલાવનાર વ્યકિતને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકારાશે. હિટ એન્ડ રન કેસમાં દંડની રકમ રૂ. રપ,૦૦૦ થી વધારીને રૂ. બે લાખ કરી દેવાઇ છે. પરિવહન સેવાઓના  ડીજીટલાઇઝેશનની માગણી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં સાબિત થયું કે મુંબઇ દુનિયાનું સૌથી વધુ ટ્રાફિક સહન કરનાર શહેર છે. મુંબઇમાં પિક અવર્સમાં લોકોને લક્ષ્ય સુધી પહોંચવામાં ૬પ ટકા વધુ સમય લાગી જાય છે. આ યાદીમાં પ૮ ટકા સાથે દિલ્હી ચોથા નંબરે છે.

(3:23 pm IST)