Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

GSTE-9 રિટર્ન...અટપટ્ટા યુ-ટર્નની ભરમાર

ભારે વિસંગતતા અને અસ્પષ્ટ વિગત પૂર્તિ આકલનથી ક્ષતિગ્રસ્ત રિટર્નથી વેપારીઓ-સીએ પરેશાન

મુંબઈ, તા. ૬ :. જીએસટી કાયદો અમલી બન્યાના બે વર્ષ બાદ પણ વેપારીઓ-કરદાતા તેના અટપટ્ટા કાયદા અને ભારે ભારખમ રિટર્નની મુશ્કેલીમાંથી છૂટકારો મેળવી શકયા નથી. વર્ષ ૨૦૧૭-૧૮ માટેનું વાર્ષિક જીએસટીઆર-૯ રિટર્ન ભરવાની છેલ્લી તા. ૩૦ જૂન છે, પરંતુ અંતિમ તારીખ નજીક આવવા છતા આ અટપટ્ટા રિટર્નના કારણે વેપારીઓ ફાઈલિંગ કામગીરી પુરી કરી શકતા નથી. રેગ્યુલર જીએસટી ઓપ્શન પસંદ કરનારાઓએ આ રિટર્ન ફાઈલ કરવાનું રહે છે. દેશભરમાં માંડ પાંચ ટકા વેપારી-કરદાતા આ રિટર્ન ફાઈલ કરી શકયા છે. સુરતની વાત કરીએ તો ૨ લાખ કરદાતા પૈકી માંડ ૧૦,૦૦૦ વેપારીઓ આ રિટર્ન ફાઈલ કરી શકયા છે. આ પ્રકારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં માંડ ૧૫,૦૦૦ વેપારીઓ જ રિટર્ન ફાઈલ કરી શકયા છે.

વેપારીઓ અધિકારીને કહેશે - રિટર્ન ફાઈલ કરી આપો

રિટર્ન ફાઈલિંગમાં પડી રહેલી મુશ્કેલીથી પરેશાન વેપારીઓ - સીએ - ટેકસ કન્સલ્ટન્સે હવે લડત આપવાનું મન બનાવ્યુ છે. અગાઉ રિટર્ન અપલોડ કરવા પેનડ્રાઈવ લઈને જીએસટી કચેરીએ કરેલા હલ્લા મુજબ જીએસટીઆર-૯ના કિસ્સામાં દેખાવ કરવામાં આવશે. વેપારીઓ-સીએ ચોપડા લઈ જઈ હેલ્પ ડેસ્ક પરના અધિકારીને કહેશે કે રિટર્ન ફાઈલ કરી આપો. ટૂંકમાં રાજ્યકક્ષાની મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય કરવામાં આવશે.

- પ્રશાંત શાહ (પ્રમુખ - સધર્ન ગુજરાત કોમર્શીયલ ટેકસ બાર એસો.)

...તો પ્રતિદિન ૨૦૦ રૂપિયા પેનલ્ટી

અટપટ્ટા રિટર્ન તથા કથળેલી સિસ્ટમને કારણે વેપારીઓ-કરદાતા રિટર્ન ફાઈલ કરી શકતા નથી, પરંતુ ગંભીર બાબત છે કે, સમયસર રિટર્ન ફાઈલ નહિ થાય તો, વેપારી-કરદાતાને પ્રતિદિન રૂપિયા ૨૦૦ અથવા મહત્તમ ટર્નઓવરના અડધો ટકો મુજબની પેનલ્ટીની જોગવાઈ છે.

પ્રથમવાર દાખલ થયેલા વાર્ષિક GSTR-૯ના ફાઈલિંગમાં નડી રહેલી મુખ્ય સમસ્યાઓ

- રિટર્નના ૨-એ ફોર્મમાં ઓટો પોપ્યુલેટેડ ડેટામાં સતત ફેરફાર થઈ રહ્યો છે. ક્રેડિટ સહિતના આંકડા બદલાઈ રહ્યા છે. જેને કારણે રિટર્ન ફાઈલિંગ મુશ્કેલ બની રહ્યું છે.

- રિટર્નમાં ભૂલ સુધારવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે પરંતુ અગાઉ અપલોડ કરવાના બાકી રહી ગયેલા ટ્રાન્ઝેકશન કે બિલ દર્શાવવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો નથી.

- અગાઉ વર્ષ ૨૦૧૭-૧૮ના અરસામાં રહી ગયેલી આરસીએમ (રિવર્સ ચાર્જ મિકેનિઝમ)ની ચૂકવણી વર્ષ ૨૦૧૮-૧૯માં કરી હોય તો, તેની ક્રેડિટ માગવાની કોલમ જ દર્શાવાઈ નથી, પરિણામે ચુકવેલી આરસીએમની ક્રેડિટ ગુમાવવાની સ્થિતિ બને છે.

- જીએસટી અમલી બન્યાના વર્ષ ૨૦૧૭-૧૮ના નવ મહિના દરમિયાનની માસિક ૨-એની વિગતો જીએસટીઆર-૯નની વિગતો સાથે મેચ થતી નથી.

- ૩-બીની ક્રેડિટ તથા ૨-એની ક્રેડિટમાં તફાવતના સંજોગોમાં ડિફરન્સના પેમેન્ટ વિના જ રિટર્ન અપલોડ થઈ જાય છે. જેથી બાકી રહેતી ભરવાની રકમની વિગતોની જાણકારી મળતી નથી.

- આઈટીસી (ઈનપુટ ટેકસ ક્રેડિટ) માટેની કલમ છે, પરંતુ આ ૨-એમાં દર્શાવવામાં આવતી ક્રેડિટ સિવાયની બાકી રહેતી ક્રેડિટ કે નહિ દર્શાવાતા બિલની ક્રેડિટ મળવા અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

(11:33 am IST)