Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ચુરૂમાં આકાશમાંથી અંગારા વરસે છે ૫૦ ડીગ્રી ઉપર તાપમાનઃ જનજીવન ખોરવાયું

લોકોને દિનચર્યા બદલવી પડે એવી ગરમી

ચુરુ, તા.૬: જો સવારની શરૂઆત જ ૩૪ ડિગ્રી તાપમાનથી થતી હોય તો અને દિવસભર અંગ દજાડતી ગરમી પડી રહી હોય તો કોઈ વ્યકિત દિવસભરનું પોતાનું શિડ્યૂલ કેવી રીતે તૈયાર કરે? રાજસ્થાનના ચુરુમાં રહેતા લોકોનું જીવન પણ હાલમાં આવું જ કંઈ છે. અહીં પડી રહેલી ભીષણ ગરમી હવે લોકોની ચામડી બાળવાથી અમુક જ સેલ્સિયસ દૂર છે.

પાછલા શનિવારે ચુરુમાં ૫૦.૮ ડિગ્રી અને સોમવારે ૫૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ બે દિવસો દરમિયાન ચુરુ દુનિયાની સૌથી ગરમ જગ્યા રહી હતી. પાછલા એક અઠવાડિયાથી અહીં તાપમાનનો પારો ૫૦ ડિગ્રી આસપાસ રહ્યો છે. ગરમીથી કંટાળીને અહીંના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ ગરમીથી રાહત મેળવવા પોતાની રોજિંદી દિનચર્યા, ખાવાનો સમય અને કામનો સમય ગરમીના હિસાબથી બદલી નાખ્યો છે.

ચુરુમાં રીટાયર સરકારી કર્મચારી રાધે શર્મા કહે છે, ૩૫ ડિગ્રી તાપમાનમાં સવારે ૪ વાગ્યે  કરાતો પાવર કટ અમારી આ સમસ્યામાં વધારો કરે છે. આ બાદ અમે બહાર જઈને પાણીની ટાંકી અને એર-કૂલરમાં મૂકવા માટે અન્ય કરિયાણાની વસ્તુની જેમ ૧૦ કિલો બરફ લાવીએ છીએ. સમગ્ર જિલ્લાની હોસ્પિટલમાં ઝાડા-ઉલટી, હિટ સ્ટ્રોક અને ચામડી બળવાની ફરિયાદ સાથે લોકો ભરતી થઈ રહ્યા છે. જિલ્લાના તમામ ડોકટર્સની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે.

ચુરુની સરકારી હોસ્પિટલના ડો. ગોગા રામે કહ્યું, જુદા જુદા વોર્ડમાં હિટ સ્ટ્રોકની સમસ્યાના કારણે ૭૦ જેટલા દર્દીઓને એડમિટ કરાયા છે. અન્ય ડોકટરે કહ્યું કે ચુરુના લોકોએ પોતાની ખાવાની આદત ઝડપથી બદલી નાખી છે. છાશ, ડુંગળી, દહીં અને ચપાટી તેમનો બ્રેકફાસ્ટ છે. કેટલાક લોકો તો બપોરનું જમવાનું પણ ટાળી રહ્યા છે. તેઓ જણાવે છે, આવા તાપમાનમાં વ્યકિતએ વધારે લિકિવડ પર રહેવું સારું. જેટલું વધારે તમે તળેલું કે કાર્બોહાઈડ્રેટેડ ફૂડ લેશો એટલા જ તમારા સ્વાસ્થ્ય ખરાબ થવાના ચાન્સ છે.

તાપમાનના કારણે ચુરુમાં સવારે ૧૦.૩૦ વાગ્યાથી જ રસ્તાઓ સુમસામ થવાનું શરૂ થઈ જાય છે. ગરમીથી બચવા માટે ખેડૂતો સવારે ૪ વાગ્યે જ ખેતરમાં પહોંચી જાય છે. ચુરુની બાજુમાં આવેલા બિનાસર, પોતી, સતારા, જસરાસર ગામોમાં પણ આ જ રીતે કામ ચાલે છે. ભઠ્ઠી પાસે બેસીને લુહારનું કામ કરતા લોકો માટે તો આનાથી પણ વધારે ખરાબ હાલત છે. તેઓ ભીના કપડાં પહેરીને કામ કરવા બેસે છે.

(10:27 am IST)