Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કોંગીની સરકાર આવી તો ૧૦ દિનમાં ખેડૂતોનું દેવું માફ કરીશું

મંદસોર રેલીમાં રાહુલ ગાંધીની મોટી જાહેરાત : મધ્યપ્રદેશમાં સરકાર બનશે તો ગત વર્ષે ગોળીબાર માર્યા ગયેલા ખેડૂતોના કુટુંબીજનોને ૧૦ દિવસમાં અન્ય અપાશે

મંદસોર,તા. ૬ : મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર થયેલી ગોળીબારની ઘટનાની પ્રથમ વરસી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક દેખાયા હતા. મંદસોરમાં ખેડૂતોની રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હંમેશની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. આ પ્રસંગે તેમણે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારનું રણશિંગૂ પણ ફુક્યું હતું. રેલીને સંબોધન કરતા રાહુલ ગાંધીએ એક મોટુ વચન આપ્યું હતું. તેમણે મંચ પર એલાન કર્યું હતું કે, જે દિવસે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તેના ૧૦ દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. કાર્યક્રમ અગાઉ રાહુલ ગાંધી પોલીસ ગોળીબારમાં ગયા વર્ષે માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર આવશે તો ગોળીબારમાં ભોગ બનેલા ખેડૂતોના પરિવારજનોને માત્ર ૧૦ દિવસની અંદર ન્યાય મળશે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓના લાખો કરોડોના દેવા માફ થઇ શકે છે પરંતુ ખેડૂતો ખેડૂતોનો એક રૂપિયો પણ માફ થતો નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, શિવરાજસિંહ સરકારમાં ખેડૂતોને માર્કેટમાં ચેક મળે છે અને બેંકમાં જવા પર લાંચ આપવામાં આવી રહી છે. તેમણે વચન આપ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને માર્કેટમાં જ પૈસા ચુકવવામાં આવશે. તેમણે દરેક જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવવા અને તેમાં સ્થાનિકોને રોજગારી આપવાનું પણ વચન આપ્યું હતું જેના મારફતે ચીનને ટક્કર આપી શકાશે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વચન આપ્યું હતું કે, પાકની પુરી કિંમત મળશે પરંતુ તેમણે દગો કર્યો છે. નરેન્દ્ર મોદીએ બે કરોડ યુવાનોને દરેક વર્ષે રોજગારી અને ૧૫ લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું પણ વચન આપ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, યુવાનોને રોજગારી આપવાના બદલે દરેક જગ્યા પર ચીની વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારુ સપના છે કે, જ્યારે ૫-૭ વર્ષ અમે અહીં આવીએ અને ફોન જોઇએ તો અમને ફોન પર મેડ ઇન મંદસોર લખેલું જોવા મળે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને શિવરાજસિંહ આ કરી શકે તેમ નથી.

કમલનાથ અને સિંધિયા જ આ કારી શકે તેમ છે. રાહુલે કહ્યું હતું કે, ભારતના બજારોમાં મેડ ઇન ચાઇનાની ભરમાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં જે ફોન છે તે પણ મેડ ઇન ચાઈના છે. બીજી તરફ ચાઈના જે ડોકલામમાં ઘુસે છે અને દેશને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે ત્યારે મોદીના મોંઢામાંથી એક શબ્દ પણ નિકળતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો મેહુલ ચોક્સીને મેહુલભાઈ કહે છે. નિરવભાઈ અને મેહુલભાઈને મોદી સાહેબે આપેલા ૩૦ હજાર કરોડ રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે. નિરવ મોદી દેશના જેટલા પૈસા લઇ ભાગી ગયા છે તેટલામાં તો દેશના ખેડૂતોનું બે વખતનું દેવું માફ થઇ શકે છે. ૧૨૦૦ ખેડૂતોએ મધ્યપ્રદેશમાં આત્મહત્યા કરી છે. એક બાદ એક મંદસોરના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. શું હિન્દુસ્તાનના સૌથી અમીર લોકો પર લાખો કરોડો રૂપિયાનું એનપીએ છે તેમણે ક્યારે પણ આત્મહત્યા કરી છે.

(7:15 pm IST)