Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પાકિસ્‍તાનની ચૂંટણી પહેલા પૂર્વ ક્રિકેટર અને રાજકીય નેતા ઇમરાન ખાનની પૂર્વ પત્ની રહેમ ખાને લખેલ પુસ્તકના અમુક ભાગ લીકઃ ઇમરાન ખાન સામે ગંભીર આક્ષેપો થતા રાજકીય ક્ષેત્રે ગરમાવોઃ નવાઝ શરીફે રહેમ ખાનને પુસ્‍તક માટે ૯૦ લાખ રૂપિયા આપ્યા હોવાનો ધડાકો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ રાજકીય વર્તુળોમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટી(PTI)ના નેતા ઈમરાન ખાન પર તેમની પૂર્વ પત્ની રહેમ ખાને ગંભીર આરોપ લગાવ્યા છે. વાત જાણે એમ છે કે રહેમ ખાને એક પુસ્તક લખ્યું છે. પુસ્તક પ્રકાશિત થતા પહેલા જ તેના કેટલાક ભાગ લીક થઈ ગયા છે., જેણે પાકિસ્તાનના રાજકારણમાં ભૂકંપ સર્જી નાખ્યો છે. પુસ્તકના લીક થયેલા ભાગમાં રહેમે તેના પૂર્વ પતિ ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યાં છે.

બીજી બાજુ PTIએ ઈમરાન ખાન પર લાગેલા આરોપને નિરાધાર ગણાવતા તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. પાર્ટીના નેતાઓનું કહેવું હતું કે રહેમને આ પુસ્તક લખવા માટે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પૈસા આપ્યાં છે. પાર્ટીના નેતા સલમાન અહેમદનું કહેવું છે કે ચૂંટણી પહેલા ઈમરાન ખાનને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને રહેમ આ એજન્ડાનો ભાગ છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ધ ઈન્ટરનેશનલ ન્યૂઝ ડોટ કોમને આપેલા ઈન્ટરવ્યુંમાં ઈમરાન ખાનના રાજનીતિક સચિવ આયન ચૌધરીએ રહેમને રૂપિયા અને સત્તાની લાલચી ગણાવી.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન અહેમદનું કહેવું છે કે રહેમને આ પુસ્તક લખવા માટે પાકિસ્તાન મુસ્લિમ લીગના નવાઝ શરીફ પાસેથી  લગભગ 90 લાખ રૂપિયા મળ્યાં છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે એ વાતના પુરાવા પણ છે. તેમણે કહ્યું કે ઈમરાન ખાનને બદનામ કરવા માટે નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફે રહેમને રૂપિયા આપ્યા છે. જ્યાં રહેમે તેના પર લાગેલા આરોપને નકાર્યા છે.

PTI સમર્થક હમઝા અલી અબ્બાસીએ પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરતા પુસ્તકના લીક થયા અંગે જાણકારી આપી. તેમણે લખ્યું કે આ પુસ્તકમાં ઈમરાન ખાનને ખરાબ અને રહેમને પાક સાફ અને ધાર્મિક મહિલા ગણાવવામાં આવી છે. અબ્બાસીએ ચાર જૂનના રોજ એક વધુ ટ્વિટ કરી જેમાં લખ્યું છે કે મે રહેમના કેટલાક મિત્રો પાસેથી જાણ્યું કે હવે તે પુસ્તકના પ્રકાશિત કરવાથી ડરી રહી છે અને તેના કેટલાક પાના ઓનલાઈન લીક કરવા માંગે છે. તેણે આગળ લખ્યું કે તે આમ કરીને પુસ્તકને લીક કરવાનું ઠીકરું મારા માથે ફોડવા માંગે છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ ચૂંટણી થવાની છે. આવામાં અહીં રાજકીય માહોલમાં ખુબ ગરમાવો જોવા મળી રહ્યો છે.

(7:02 pm IST)