Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

નોટબંધી-GSTની અસર સમાપ્તઃ ભારતીય અર્થતંત્રનું ચિત્ર ફુલગુલાબી

વિશ્વ બેંકે ભારતીય અર્થતંત્રના 'અચ્છે દિન'ના આપ્યા અનુમાનઃ આવતા દિવસોમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં ભારતીય ઈકોનોમી ટોપ ઉપર રહેશે : ૨૦૧૮-૧૯માં વિકાસ દર ૭.૩ ટકા રહેશેઃ બે વર્ષમાં ૭.૫ ટકા થશેઃ પ્રતિ વ્યકિત આવકમાં વધારોઃ અર્થતંત્રને અસર કરતા ખરાબ દિવસો હવે પુરા થયા

નવી દિલ્હી, તા. ૬ :. વિશ્વ બેન્કનું અનુમાન છે કે, આવતા એકથી બે વર્ષની અંદર ભારતીય ઈકોનોમી વિશ્વની ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાથી એક હશે. વિશ્વ બેંકના અનુમાન મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય ઈકોનોમીની ગ્રોથ ૭.૩ ટકા રહેશે. જ્યારે આવતા બે વર્ષની અંદર આ ગ્રોથ વધીને ૭.૫ ટકા થવાનું અનુમાન જણાવવામાં આવ્યુ છે. વિશ્વ બેંકનું કહેવુ છે કે પાછલા એકથી દોઢ વર્ષમાં ભારતીય ઈકોનોમીની ગ્રોથને અસર કરનાર ફેકટર હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગયા છે.

આજે વિશ્વ બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલ ગ્લોબલ ઈકોનોમીકસ પ્રોસપેકટસના રીપોર્ટ મુજબ ભારતના ગ્રોથના અનુમાનથી જણાય છે કે દેશમાં ખાનગી-પ્રાઈવેટ ખપત ઝડપથી વધી રહી છે અને નિવેશનો માહોલ અત્યંત મજબૂત થયો છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે લગાતાર પાંચ ત્રિમાસિક ગાળા સુધી ભારતીય ઈકોનોમીની ગ્રોથ ધીમી રહ્યા બાદ ૨૦૧૭ના મધ્યમાં પોતાના નિચલા સ્તર પર પહોંચી ગઈ હતી. જો કે તે પછીથી સુધારાની ચાલ શરૂ થઈ છે અને હવે ૨૦૧૮માં મોમેન્ટમ (ઝડપ) પાછી ફરી છે અને ટૂંક સમયમાં રોકાણની સ્થિતિમાં પણ સુધારો થશે.

રીપોર્ટમાં જણાવાયુ છે કે ભારત ૨૦૧૭ના મધ્યમાં જ જીએસટીને લાગુ કર્યા બાદ ઉભી થયેલી જટીલતાઓથી બહાર આવી ગયુ છે. તે પછી મેન્યુફેકચરીંગ આઉટપુટ અને ઔદ્યોગીક ઉત્પાદનમાં ઝડપથી વધારો થયો છે. એટલુ જ નહી બેંકનું કહેવુ છે કે, પ્રતિ વ્યકિત આવકમાં પણ ઝડપથી વધારો છે. આનાથી ભારતમાં ગરીબી ઘટાડવામાં મદદ મળશે.

(4:24 pm IST)