Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

રજનીકાંતની ''કાલા'' શાંતિથી રિલીઝ થાય તે માટે કર્ણાટક સરકાર સુરક્ષા આપેઃ હાઈકોર્ટ

કાવેરી નદી અંગે ''સુપ્રીમના હુકમનો અમલ કરવો જોઈએ'' તેવું રજનીકાંતે કહેતા ફિલ્મ રિલીઝ અટવાઈ પડેલ : કર્ણાટક તરફી સંગઠનોએ ફિલ્મ રિલીઝ થાય તો થિયેટરોમાં હિંસાક દેખાવની ચીમકી આપેલ

બેંગલુરૂ,તા.૬: કર્ણાટક હાઈકોર્ટે સુપરસ્ટાર રજનીકાંતની 'કાલા' ફિલ્મની શાંતિપૂર્ણ રિલીઝ માટે રાજય સરકારને પૂરતી સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. આ દરમિયાન કર્ણાટકના નવનિયુકત મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ સૂચન કર્યું છે કે, હાલ આ ફિલ્મની રિલીઝ માટે રાજયમાં યોગ્ય વાતાવરણ નથી.

કાવેરી મુદ્દે રજનીકાંતે રજૂ કરેલા વિચારોના કારણે આ ફિલ્મની રિલીઝ સામે ખતરો ઊભો થયો હતો. કાવેરી નદીના પાણીને લઈને તમિલનાડુ અને કર્ણાટકમાં અત્યંત હિંસક દેખાવો થઈ ચૂકયા છે. આ મુદ્દે કુમારસ્વામીએ કહ્યું હતું કે, કર્ણાટક હાઈકોર્ટે 'કાલા' ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ કર્યો છે. હવે આ આદેશનો અમલ કરવાની મારી જવાબદારી છે, પરંતુ અંગતપણે મારું માનવું છે કે, હાલના વાતાવરણમાં ફિલ્મ નિર્માતાઓ- વિતરકો ફિલ્મ પ્રદર્શિત કરાવનો નિર્ણય લે એ અયોગ્ય છે.

કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ જી.નરેન્દરે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે કર્ણાટક સરકારને આ હુકમ કર્યો છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સહિત ચાર રાજયોમાં સંજલ લીલા ભણસાળીની 'પદ્માવત' ફિલ્મ પ્રદર્શિત કરવાનો હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકતા કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે, ફિલ્મ અભિવ્યકિત સ્વાતંત્ર્યનું માધ્યમ છે. બંધારણની કલમ ૧૯ (૧) (એ) હેઠળ ફિલ્મ સહિતના કોઈ પણ પ્રકારના ક્રિએટિવ કન્ટેન્ટને વ્યકત કરવાનો હક આપવામાં આવ્યો છે.

હાલમાં જ રજનીકાંતે કહ્યું હતું કે, કર્ણાટકમાં કોઈ પણ રાજકીય પક્ષની સરકાર બને, તેમણે સુપ્રીમ કોર્ટના કાવેરી નદીના પાણી છોડવાના આદેશનો અમલ કરવો જોઈએ. આ દરમિયાન રજનીકાંતની ફિલ્મ 'કાલા' સાતમી જૂને પ્રદર્શિત થવાની હતી. પરંતુ કર્ણાટક ફિલ્મ ચેમ્બર્સ ઓફ કોમર્સે ૨૯મી મેના રોજ આ ફિલ્મને પ્રદર્શિત નહીં કરવાનો નિર્ણય લીધો હતો.

રજનીકાંતના આ નિવેદન પછી કર્ણાટકના કેટલાક સંગઠનોએ ''કાલા'' પ્રદર્શિત થયા તો થિયેટરોમાં તોડફોડ કરવાની ધમકી આપી હતી. ત્યારપછી વિતરકોના એસોસિયેશને પણ સરકાર દ્વારા ફિલ્મ રિલીઝ કરવા મુદ્દે મૂકેલા પ્રતિબંધનો વિરોધ કર્યો હતો.

(4:11 pm IST)