Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ટ્રમ્પ અને કિમ જોંગની સુરક્ષા ગોરખા જવાનો કરશે

બોડી આર્મર, કોમ્બેટ એસોલ્ટ રાઇફલ અને લેગ હોલસ્ટરમાં પિસ્તોલથી સજ્જ ગોરખા જવાનો ખુકરી હંમેશા સાથે રાખે છે : સિંગાપોર પોલીસમાં હાલ ૧,૮૦૦ ગોરખા જવાનો : સિંગાપોરમાં ૨૦૦ વર્ષથી ગોરખા જવાનો ફરજ બજાવે છે

વોશિંગ્ટન તા. ૬ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન મંગળવારે સિંગાપોરમાં ઐતિહાસિક બેઠક યોજવાના છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે કહ્યું હતું કે, બંને નેતાઓ સ્થાનિક સમય પ્રમાણે સવારે નવ વાગ્યે (ભારતીય સમય સાંજે ૬.૩૦) વાગ્યે મળશે. આ દરમિયાન અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે, ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોનું ઉત્પાદન બંધ કરશે તો જ તેના પરથી પ્રતિબંધો ઉઠાવવામાં આવશે. આ બેઠકના સંપૂર્ણ આયોજનની જવાબદારી સિંગાપોરને સોંપવામાં આવી છે.

આ બેઠકની સુરક્ષાની જવાબદારી સિંગાપોરના એલિટ પોલીસ અને ગોરખા કમાન્ડોને સોંપવામાં આવી છે. આ બંને ટીમના જવાનો બંને નેતાઓના સમગ્ર રૂટ અને હોટેલમાં વીઆઈપી સિકયોરિટી ગોઠવશે. વિશ્વની સૌથી ખૂંખાર અને લડાયક પ્રજા મનાતી ગોરખાની વસતી સિંગાપોરમાં ખૂબ ઓછી છે. પરંતુ હાલ તેઓ સિંગાપોરની શાંગ્રી-લા હોટેલની આસપાસ વધુ દેખાઈ રહ્યા છે. આ ટીમના સભ્યો અગાઉ પણ વિશ્વના અનેક નેતાઓની સુરક્ષાની જવાબદારી સંભાળી ચૂકયા છે. હાલ સિંગાપોર પોલીસમાં ૧,૮૦૦ ગોરખા જવાનો ફરજ બજાવી રહ્યા છે. સિંગાપોર પોલીસ નેપાળના પહાડી વિસ્તારોના ગોરખા જવાનોની વર્ષોથી ભરતી કરી રહી છે.

આ ટીમના ગોરખા જવાનો બોડી આર્મર, કોમ્બેટ એસોલ્ટ રાઇફલ તેમજ લેગ હોલસ્ટરમાં પિસ્તોલથી સજ્જ હોય છે. આ બધા જ હાઇટેક શસ્ત્રો હોવા છતાં દરેક ગોરખા જવાન પાસે તેમનું પરંપરાગત ચાકુ હોય છે, જે ખુકરી નામે ઓળખાય છે. આ બેઠકની સુરક્ષા ગોરખા સંભાળી રહ્યા છે કે નહીં એ મુદ્દે સિંગાપોર પોલીસે કશું પણ કહેવાનો ઈનકાર કરી દીધો છે. જોકે, બેઠકની તૈયારી શરૂ થતાં જ શાંગ્રી-લા હોટેલની આસપાસ ગોરખા જવાનો દેખાવાનું શરૂ થઇ ગયું છે.

નોંધનીય છે કે, સિંગાપોરમાં પણ ભારતની જેમ બ્રિટીશ યુગમાં જ ગોરખા જવાનોની ભરતી કરવાનું શરૂ થયું હતું. છેલ્લાં ૨૦૦ વર્ષથી ભારત સહિતના અનેક દેશોમાં નેપાળના ગોરખા જવાનોની વિવિધ દેશોના લશ્કરમાં ભરતી કરાઈ રહી છે.

(12:40 pm IST)