Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કેપીટલ માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ પર સીંગલ લેવી-એસટીટી નાબુદીની ભલામણ

ઉદ્યોગ જગતને ખુશ કરવાની તૈયારીઃ ૬૦ વર્ષ જૂના આયકર કાનૂનમાં ફેરફાર કરવા માટે રચાયેલી સમિતિ ટૂંક સમયમાં પીએમઓને પ્રસ્તાવ મોકલશેઃ કેપીટલ માર્કેટ પર બેવડો કર લગાવવાની વ્યવસ્થા સમાપ્ત થવી જોઈએઃ સમિતિ કોર્પોરેટ અને વ્યકિતગત આયકરના દરો ઘટાડવાની પણ તરફેણમાં

નવી દિલ્હી, તા. ૬ :. લગભગ ૬૦ વર્ષ જૂના આયકર કાનૂનમાં ફેરફાર કરવા માટે રચવામાં આવેલી સમિતિ કેપીટલ માર્કેટમાં રોકાણ પર સીંગલ લેવી લગાવવા પર વિચારણા કરી રહી છે કે જેની ઉદ્યોગ જગત દ્વારા લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે આ સમિતિમાં ટૂંક સમયમાં વડાપ્રધાન કાર્યાલય પાસે આ બારામાં એક પ્રસ્તાવ મોકલશે.

ઈન્વેસ્ટરો માટે કેપીટલ માર્કેટને આકર્ષક બનાવવા માટે સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેક્ષ એટલે કે એસટીટી નાબુદ કરવા પર પણ સમિતિ વિચારણા કરે તેવી શકયતા છે. જો કે સમિતિના કેટલાક સભ્યોનો તર્ક છે કે એસટીટીથી લેવડદેવડ પર નજર રાખવામાં મદદ મળે છે જેનાથી તે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ બારામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમિતિના સભ્યો મોટા ભાગે એ બાબત પર સહમત છે કે મૂડી બજાર પર બેવડો કર એટલે કે ડબલ લેવી લગાવવાની વ્યવસ્થા સમાપ્ત થવી જોઈએ. જો કે એસટીટી હટાવવાના મુદ્દે સમિતિના સભ્યો વચ્ચે હજુ પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં ૧ લાખથી વધુના મૂલ્યના શેર ઉપર લોંગ ટર્મ કેપીટલ ગેઈન્સ ૧૦ ટકા લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ એસટીટી પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. એસટીટી પ્રત્યક્ષ કર હોય છે જેનુ ચુકવણુ સ્ટોક એક્ષચેન્જ થકી કર યોગ્ય સીકયુરીટીના વ્યવહારો પર થાય છે. સંગ્રહમાં સરળતા અને નિશ્ચિત આવકની પ્રાપ્તી માટે એસટીટી ચાલુ રાખવામાં આવી હતી. ડીલેવરી બેઈઝડ વ્યવહારો પર ૦.૧ ટકા લેવાતી હતી.

નવા પ્રત્યક્ષ કર કાનૂનનો મુસદ્દો તૈયાર કરનાર કાર્યદળ આ વર્ષે ૩૧ ઓગષ્ટ સુધીમાં પોતાનો રીપોર્ટ સોંપી શકે છે. પહેલા આ સીમા ૩૧મી મે હતી, પરંતુ ૩ મહિનાનો એક્ષ્ટેન્શન આપવામાં આવ્યુ હતું. ૬ સભ્યોની આ સમીતીનું આ વડપણ સીબીડીટીના સભ્ય અરવિંદ મોદી કરી રહ્યા છે. મોદીએ અગાઉ આવેલ પ્રત્યક્ષ કર સંહિતા એટલે કે ડીટીસીનુ માળખુ તૈયાર કર્યુ હતુ જે પછી કોલ્ડ સ્ટોરેજમાં મુકી દેવામાં આવ્યુ હતું.

સમિતિના એક સભ્યએ જણાવ્યુ છે કે હું વિશ્વાસથી કહી શકુ છું કે ઉદ્યોગ જગતને સમિતિનો રીપોર્ટ ખુશ કરી દેશે. અમેરિકામાં કોર્પોરેટ ટેક્ષ રેટમા ઘટાડાથી ભારતમાં પણ તેમા ઘટાડો શકય બન્યો છે. ૨૦૧૮-૧૯ના બજેટમાં ફકત મધ્યમ ઉદ્યોગોને જ કર લાભ આપવામાં આવ્યો હતો. કરોનો દાયરો વધારવાની સાથે સાથે સમિતિ આયકર શ્રેણીઓ ઉપર પણ વિચાર કરી રહી છે.

આ બારામાં એક અધિકારીએ જણાવ્યુ છે કે, અમે કોર્પોરેટ અને પર્સનલ ઈન્કમટેક્ષના દરો ઘટાડવા ઈચ્છીએ છીએ પરંતુ આવુ કરતા પહેલા અમેરીકાની જેમ આવકના બીજા સ્ત્રોતો શોધી રહ્યા છે. અમેરિકામાં કોર્પોરેટ ટેક્ષ ૩૫ ટકાથી ઘટાડી ૨૧ ટકા કરવામાં આવેલ છે. જેની ભારતમાં આઈટી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રો પર અસર પડી શકે છે કારણ કે અમેરિકી કંપનીઓ અહીંથી મળેલ નફાને પોતાના દેશમાં લઈ જવાનો પ્રયાસ કરશે. સરકારે આ વર્ષના બજેટમાં રૂ. ૨.૫ બીલીયનનુ ટર્નઓવર કરનાર કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસમાં ૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. સમિતિ અમેરિકા, ઓસ્ટ્રેલીયા સહિતના દેશોની અર્થ વ્યવસ્થાના કર કાનૂનોનો અત્યારે અભ્યાસ કરી રહી છે. પેનલે જણાવ્યુ છે કે શ્રીલંકાનો ઈન્કમટેક્ષ લો સરળ છે. જે ગયા વર્ષે સુધારવામાં આવ્યો હતો. ૯ વર્ષ પહેલા ડીટીસીમાં ઈન્કમટેક્ષની લીમીટ ૩ લાખ કરવા જણાવ્યુ હતું. અમે ડીટીસીની ભલામણો તરફ આગળ વધવા વિચારશુ જો તે વેલીડ હશે તો તેવુ અધિકારીઓ જણાવે છે.

(11:40 am IST)