Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ખેડૂતોને રાજી કરવાની તૈયારીઃ દોઢ ગણુ એમએસપી જાહેર કરાશે

૧૦ દિવસની હડતાલ પર ગયેલા ખેડૂતોને ખુશ કરવા માટે કેન્દ્ર સરકાર આજે દોઢ ગણુ ન્યુનત્તમ સમર્થન મૂલ્ય જાહેર કરે તેવી શકયતાઃ કેબીનેટની બેઠકમાં લેવાશે નિર્ણયઃ કેબીનેટની બેઠકમાં સીએસીપીની ભલામણો ઉપર મ્હોર લગાવવામાં આવે તેવી શકયતાઃ સીએસીપીએ ગયા વર્ષની સરખામણીમાં પ્રતિ કવીન્ટલ ૮૦ થી ૪૦૦ રૂ. સુધી એમએસપી વધારવા જણાવ્યુ છે

નવી દિલ્હી, તા. ૬ :. ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે હવે સરકાર ખેડૂતોને રાજી કરવાની તૈયારી કરી રહી છે. ૧૦ દિવસની હડતાલ પર ગયેલા ખેડૂતોને રાજી કરવા માટે આજે કેન્દ્ર સરકાર દોઢ ગણુ ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી)નું એલાન કરી શકે છે. કેબીનેટની બેઠક મળી રહી છે. જેમાં કૃષિ કોસ્ટ અને મૂલ્ય આયોગ (સીએસીપી)ની ભલામણો ઉપર મંજુરીની મ્હોર લગાવવામાં આવે તેવી શકયતા છે. સીએસીપીએ ગયા વર્ષની તુલનામાં પ્રતિ કવીન્ટલ ૮૦ થી ૪૦૦ રૂ. સુધીની એમએસપી વધારવાનું જણાવ્યુ છે.

કૃષિ મંત્રાલયને મોકલવામાં આવેલી સીએસીપીની ભલામણોમાં દાળ અને અનાજની એમએસપીમાં ૪૦ થી ૫૦ ટકા સુધીના વધારાની ભલામણ કરવામાં આવી છે. સૂત્રો જણાવે છે કે મંત્રાલયે સીએસીપીની ભલામણોનો સ્વીકાર કર્યો છે. જો કે તેમા મામુલી ફેરફાર કરવામાં આવ્યો છે. તેમા મોટા ભાગના પાકોની એમએસપીને ૫૦ ટકા સુધી વધારવામાં આવેલ છે. જ્યારે કેટલાકમાં વધારાની ટકાવારી થોડી ઓછી છે. આનુ કારણ સીએસીપી દ્વારા કેટલાક અનાજના એમએસપીમા વધારાને ગયા વર્ષની સરખામણીમાં ૪૦ ટકાથી ઓછો રાખવાનો હતો. માનવામાં આવે છે કે, આ અનાજ જુવાર, બાજરો, મકાઈ અને રાગી સહિત અન્ય છે.

સૂત્રો જણાવે છે કે, મંત્રાલયે નિતી આયોગના કૃષિ નિષ્ણાંતો સાથે આ બાબતે ચર્ચા કરી એમના સૂચનો પણ લીધા છે. તે પછી જ મંત્રાલયે કેબીનેટ નોટ જારી કરી છે. જેના પર આજે ચર્ચા થશે. અત્રે નોંધનીય છે કે, આયોગ દ્વારા ખરીફ પાકમાં સરકારને કોસ્ટ દોઢ ગણી એમએસપી આપવાનો ખર્ચ ૧.૧૨ લાખ કરોડ થાય તેવી શકયતા છે.

૧ લી જૂનથી ૧૦ દિવસની હડતાલ પર ગયેલા ખેડૂતોની માગણીઓમાં દેવા માફી, દોઢ ગણુ એમએસપી ઉપલબ્ધ કરાવવા અને સ્વામીનાથન પંચનો રીપોર્ટ લાગુ કરવાનુ છે. કેન્દ્રએ કિસાન હડતાલને હજુ મહત્વ આપ્યુ નથી. એટલુ જ નહી ભાજપ શાસિત રાજ્યોમાં તેને રાજકીય ગણવામાં આવેલ છે.

કૃષિ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકારનો ઈરાદો ખેડૂતો માટે બજેટમા કરવામાં આવેલી જાહેરાતોનો અમલ કરવાનો છે. એ દિશામાં આગળ વધવામાં આવી રહ્યુ છે અને ટૂંક સમયમાં જ ખરીદી પર દોઢ ગણુ એમએસપી ખેડૂતોને મળશે. સીએસીપીએ તુવેર, અળદની એમએસપી પ્રતિ કવીન્ટલ ૪૦૦ વધારવાની ભલામણ કરી છે તો મગ પર ૩૫૦ રૂ., ધાન પર પ્રતિ કવીન્ટલ ૮૦ રૂ., જુવાર પર ૭૫ રૂ., બાજરા પર ૯૫ રૂ., મકાઈ પર ૬૦ રૂ. અને રાગી પર ૧૭૫ રૂ. પ્રતિ કવીન્ટલ વધારવા કહ્યુ છે.(૨-૩)

(11:40 am IST)