Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સરકાર મામા બનાવે છે...કર્ણાટકની ચૂંટણી બાદ પેટ્રોલમાં રૂ. ૩.૮૦ વધ્યા હતાઃ ૭ દિવસમાં ઘટાડાયા માત્ર ૬૦ પૈસા !

પ્રજા પૂછે છે... પૈસા છોડો રૂપિયામાં મોટો ઘટાડો કયારે જાહેર કરશો ? : પેટ્રોલ-ડીઝલમાં ઘટાડાનો સિલસિલો ૮મા દિવસે પણ ચાલુઃ દિલ્હીમાં ૩૦મી મે પછી પેટ્રોલ ૭૧ પૈસા સસ્તુ થયું

નવી દિલ્હી, તા. ૬ :. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત ૮મા દિવસે ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ૭૧ પૈસા ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તો ડીઝલમાં પણ ભાવ ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. કર્ણાટકની ચૂંટણી બાદ ૧૬ દિવસમાં પેટ્રોલ ભાવ ૩.૮૦ રૂ. અને ડીઝલના ભાવ ૩.૩૮ રૂ. વધારવામાં આવ્યા હતા. તે પછી ૩૦મી મે થી ૫ જૂન સુધી પેટ્રોલમાં માત્ર ૬૦ પૈસા અને ડીઝલમાં ૪૩ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગઈકાલે પેટ્રોલમાં ૧૩ પૈસા અને ડીઝલમાં ૯ પૈસાનો ઘટાડો કરાયો હતો.સરકાર સતત એવુ કહે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવા તે લાંબા ગાળાનું આયોજન શોધી રહી છે. એવી પણ માંગણી ઉઠી છે કે, બન્ને પ્રોડકટને જીએસટી હેઠળ લાવવામાં આવે.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ગઈકાલે ૭૭.૮૩ અને ડીઝલ ૬૮.૮૮ રૂ. હતુ. ઘટાડા બાદ પણ મુંબઈમાં પેટ્રોલ ૮૫.૬૫ અને ડીઝલ ૭૦.૩૩ રૂ. રહ્યુ છે.

આજે દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલનો ભાવ ૭૭.૭૨ રૂ. થયો છે. તો મુંબઈમાં ૧ લીટર પેટ્રોલ ૮૫.૫૪ રૂ.માં મળી રહ્યુ છે. છેલ્લા ૮ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ ૭૧ પૈસા સસ્તુ થયુ છે. ૨૯મી મે ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૮.૪૩ રૂ. હતો. દિલ્હીમાં આજે ડીઝલ ૬૮.૮૦ના ભાવે મળી રહ્યુ છે તો મુંબઈમાં ડીઝલનો ભાવ ૭૩.૨૫ પૈસા છે. છેલ્લા ૮ દિવસમાં દિલ્હીમાં ભાવ ઘટાડા બાદ ડીઝલ થોડુ સસ્તુ થયુ છે. ૨૯મી મેના રોજ ૬૯.૩૧ રૂ. હતો.

(11:40 am IST)