Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મુંબઇ ATSનો સપાટો : 21 કરોડની કિમતના 7 કિલો યુરેનિયમના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધા

. બંને આરોપી યુરેનિયમ વેચવાની ફિરાકમાં હતા.

મુંબઇ ATSએ કુર્લા-માનખુર્દ વિસ્તારમાંથી 7.100 કિલો નેચરલ યુરોનિયમનો જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી છે. આ યુરેનિયમની કિંમત આશરે 21 કરોડ રુપિયા છે. આરોપીઓના નામ જીગર જયેશ પંડયા અને અબુ તાહિર અફજલ હુસૈન ચૌધરી છે. બંને આરોપી યુરેનિયમ વેચવાની ફિરાકમાં હતા.

આ અંગે ATS ડીઆઇજી શિદીપ લાન્ડેએ જણાવ્યું કે દક્ષિણ મુંબઇના નાગપાડાની એટીએસ યુનિટના પીઆઇ ભાલેકરને ફેબ્રુઆરી મહિનામાં યુરેનિયમની ગુપ્ત બાતમી મળી હતી. ત્યાર બાદ યુનિટે માહિતીની ચોકસાઇ કરી સૌથી પહેલાં જીગર પંડ્યાની અટકાયત કરી હતી. તેની પુછપરછ બાદ કબાડીના ડિલર અબુ તાહિરની આમા સંડોવણી જણાઇ હતી

 

ડીઆઇજીએ વધુમાં જણાવ્યું હતું કે બંને આરોપીઓએ યુરેનિયમની ચકાસણી માટે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવ્યું હોવાનું મનાય છે. જેને પગલે બંનેની પુછપરછ કરી આ મામલે વધુ કડી શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

એટીએસના સભ્યોએ તાહિરની અટકાયત કરી યુરેનિયમ કુર્લા-માનખુર્દના એક ગોદામમાં મુકાયું હોવાની માહિતી પ્રાપ્ત કરી હતી. જેને જપ્ત કરી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC)ની મદદ લેવામાં આવી હતી. બાર્કે આ પદાર્થ અસલી યુરેનિયમ હોવાની પુષ્ટિ કરી ત્યાર પછી બંને આરોપી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બાર્કના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલું યુરેનિયમ સામાન્ય મનુષ્ય માટે ઘાતક પુરવાર થઇ શકે છે.

બધી રીતે ચોકસાઇ કરી લીધા બાદ એટીએસે ગઇકાલે બુધવારે એટોમિક એનર્જી એક્ટ 1962 હેઠળ કેસ નોંધ્યો છે. આ અંગે નાગપુર એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ઓફ એક્સપ્લોરેશન એફ રિસર્ચના ડાયરેક્ટરની ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવામાં આવી છે. હાલ બંને આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી 12 સુધી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મહારાષ્ટ્રમાં થાણે પોલીસે 22 ડેસેમ્બર 2016માં પણ યુરેનિયમનો મોટે જથ્થો પકડ્યો હતો. આ અંગે પોલીસે કિશોર પ્રજાપતિ નામના એક ભંગારના વેપારીને ધરપકડ કરી હતી. તેની પાસેથી 8.86 કિલો યુરેનિયમનો કબજે લીધો હતો. એક કિલોના 3 કરોડ રુપિયાના હિસાબે તેની કિંમત 26 કરોડ રુપિયા થતી હતી.

(6:13 pm IST)