Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

સુપ્રિમ કોર્ટનો સરકારને સો મણનો સવાલ

ત્રીજી લહેરમાં બાળકો શિકાર બનશે તો મા-બાપ શું કરશે ? ભવિષ્ય માટેનો પ્લાન શું છે?

જો આજે તૈયારી કરશું તો ત્રીજી લહેરને સંભાળી શકાશે

નવી દિલ્હી તા. ૬ : કોરોનાની બીજી લહેર વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રને એવો સવાલ પૂછયો કે જે સવાલ આજે દરેક માતા - પિતાને ડરાવે એવો છે. કોરોના સંબંધિત મામલાની સુનાવણી દરમિયાન જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું કે, અનેક વૈજ્ઞાનિકોનો રીપોર્ટ એવો છે કે ત્રીજી લહેર શરૂ થશે અને જો બાળકો પ્રભાવિત થશે તો મા-બાપ શું કરશે. હોસ્પિટલમાં રહેશે કે શું કરશે ? પ્લાન શું છે ભવિષ્યનો? રસીકરણ કરવું જોઇએ. આપણે તેની સાથે નીપટવાની જરૂરીયાત છે. જસ્ટીસ ચંદ્રચુડે કહ્યું કે, અમે એ નથી કહી રહ્યા કે કેન્દ્રની ભૂલ છે. અમે ઇચ્છીએ છીએ કે વૈજ્ઞાનિક રીતે આયોજન કરીને ત્રીજી લહેર સામે લડવાનું છે.

જસ્ટિસ શાહે કહ્યું કે, હાલમાં આપણે દિલ્હીને જોઇ રહ્યા છીએ પરંતુ ગ્રામ્ય વિસ્તારોનું શું ? જ્યાં વધુ પડતા લોકો ઝઝુમી રહ્યા છે. એક રાષ્ટ્રીય નીતિ બનાવાની જરૂરીયાત છે. તેમ ફકત આજની સ્થિતિને જોઇ રહ્યા છો પરંતુ અમે ભવિષ્યને જોઇ રહ્યા છીએ. તેના માટે તમારી પાસે શું પ્લાન છે ? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે મહામારીના બીજા ચરણમાં છો. બીજી લહેરમાં પણ અનેક માપદંડો હશે પરંતુ જો અમે આજે તૈયારી કરી છીએ તો અમે ત્રીજા ચરણને સંભાળી શકીશું.

જસ્ટિસ ડિવાઇ ચંદ્રચુડે કહ્યું કે શું એવા ડોકટરોની ટીમ તૈયાર કરી શકીએ છીએ. જે ટેકનોલોજીથી સારવાર કરે. સેકન્ડ વેવને હેન્ડલ કરવા માટે મેનપાવર નથી. થર્ડ વેવ માટે પણ અમારી પાસે મેન પાવર હશે નહિ. શું આપણે ફ્રેશર ગ્રેજ્યુએટ ડોકટર અને નર્સનો તેમાં ઉપયોગ કરી શકીએ છીએ ?

વધુમાં ઉમેર્યું કે, જો તમે કોઇ નીતિમાં ખામી કરો છો તો તમે તેના માટે જવાબદાર હશો. અમે નહી. અમે એ નીતિમાં સામેલ નથી જે કેટલાક વર્ષમાં ચુંટણીમાં ઉભા રહેશે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તેઓ ઓડિટને દિલ્હીને કેન્દ્રીત બનાવીને દિલ્હી પર આકાંક્ષાઓનો બોજો નાખવા માંગતા નથી.

(2:58 pm IST)