Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

હાસ્ય કલાકાર સુનિલ પાલ વિરુદ્ધ એફઆઈઆર : ડૉકટરો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીનો આરોપ

વીડિયોમાં ડોકટરો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી: બીજા વિડીઓમાં માફી પણ માંગી :અંધેરી પોલીસે પાલની વિરુદ્ધ એફઆઈઆર નોંધી

મુંબઈ : પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, પરંતુ આ વખતે તેમને તે મોંઘો પડ્યો છે. સુનીલ પાલ વિરુદ્ધ મુંબઇના અંધેરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એસોસિયેશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટ્સના વડા ડૉ. સુષ્મિતા ભટનાગરની ફરિયાદના આધારે અંધેરી પોલીસે મંગળવારે પાલની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. ફરિયાદ મુજબ પાલે વીડિયોમાં ડોકટરો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.

સુનીલ પાલે પોતાની વેબસાઇટ પર અપલોડ કરેલા એક વીડિયોમાં ડૉક્ટરો પર કોવિડ કટોકટીના આવરણ હેઠળ માનવ તસ્કરીનો આરોપ મૂક્યો છે. આ વીડિયોમાં સુનિલ પાલે કહ્યું છે કે, ‘ડોકટરો ભગવાનનું એક રૂપ છે, પરંતુ 90 ટકા ડોક્ટરોએ રાક્ષસનું રૂપ ધારણ કરી લીધું છે.

દર્દીઓની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ગરીબ લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. તેમને કોવિડના નામે દિવસભર હેરાન કરવામાં આવે છે. તેઓને એમ કહીને હેરાન કરવામાં આવે છે કે ત્યાં કોઈ બેડ નથી, કોઈ પ્લાઝ્મા નથી, કોઈ દવાઓ નથી.’

હાસ્ય કલાકારે વધુમાં કહ્યું કે, ‘ લોકોને જબરદસ્તી કોવિડ સંક્રમિત કહીને ભરતી કરવામાં આવી રહ્યાં છે. દર્દીના મોત પછી પણ તેમના નામે એક બિલ બનાવવામાં આવી રહ્યું છે. તેમના મૃત્યુ પછી તેમના શરીરના અંગો તસ્કરી કરવામાં આવી રહ્યા છે.

 

જો કે આ વીડિયો વાયરલ થયા પછી સુનીલ પાલે પોતાનો ખુલાસો આપતો બીજો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે તે બધા ડૉક્ટરો વિશે વાત નથી કરી રહ્યો. જો મારા નિવેદનોથી કોઈ ડૉક્ટરને દુ:ખ થયું હોય, તો હું માફી માંગું છું અને મારા શબ્દોને પાછો ખેંચું છું. ડૉક્ટરો ખરેખર ભગવાનનું એક સ્વરૂપ છે.

(1:14 pm IST)