Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

કોરોનાને લઇને કેન્દ્રીય ચૂંટણી પંચનો નિર્ણય

૩ લોકસભા અને ૮ વિધાનસભાની બેઠકો પરની પેટાચૂંટણી મોકૂફ

નવી દિલ્હી,તા. ૬: દેશમાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ૩ લોકસભા બેઠકો અને ૮ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી મુલતવી રાખી છે.

આ પેટા ચૂંટણીઓ દાદર અને નગર હવેલી, મધ્યપ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશની માંડી લોકસભા બેઠકો પર યોજાવાની હતી. આ સાથે ચૂંટણી પંચે વિવિધ રાજયોની ૮ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા-ચૂંટણીઓ પણ મુલતવી રાખી છે.

ભાજપના સાંસદ નંદકુમારસિંહ ચૌહાણના અવસાન પછી, ખંડવા લોકસભા બેઠક ખાલી પડી છે, જયારે હિમાચલ પ્રદેશની માંડવી બેઠક ગત મહિને સાંસદ રામસ્વરૂપ શર્માના નિધન બાદ ખાલી હતી. તે જ સમયે, દાદર અને નગર હવેલીના સાંસદ, મોહન ડેલકરનું ફેબ્રુઆરીમાં અવસાન થયું. જે બાદ આ બેઠક ખાલી પડી હતી. ખંડવા બેઠક પર ૧૯૮૦ એટલે કે ૪૧ વર્ષ બાદ આ બેઠક ઉપર પેટા-ચુંટણીની સ્થિતિનું નિર્માણ થયું છે.

આ પહેલા ૩ મેના રોજ ચૂંટણી પંચે પશ્યિમ બંગાળમાં ૧૬ મેના રોજ યોજાનારી ચૂંટણીને રાજયના કોવિડ -૧૯ ના વધતા જતા કેસોને જોતા સોમસરગંજ અને જાંગીપુર વિધાનસભા બેઠકો પર મુલતવી રાખી હતી. આ બેઠકો પર બે ઉમેદવારોના નિધનને કારણે મતદાન થઈ શકયું નથી. અગાઉ, દેશભરમાં કોવિડ -૧૯ મહામારીના કહેર વચ્ચે, ૧૭ એપ્રિલના રોજ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની બે લોકસભા બેઠકો અને ૧૦ રાજયોની ૧૨ વિધાનસભા બેઠકો પર શનિવારની પેટાચૂંટણીને મતદાન થયું હતું. તેના પરિણામો ૨ મેના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે મદ્રાસ હાઈકોર્ટે કોરોના મહામારી વચ્ચે ૫ રાજયોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચને ઠપકો આપ્યો હતો અને કોરોનાની બીજી લહેર માટે તેને જવાબદાર ઠેરવ્યા હતા. મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીપંચની આકરી ટીકા કરી હતી અને દેશમાં કોવિડ -૧૯ ના બીજા મોજા માટે 'એકલા' જવાબદાર ગણાવતાં કહ્યું હતું કે તે 'સૌથી વધુ બેજવાબદાર સંસ્થા' છે.

(10:37 am IST)