Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

આઈડીબીઆઈ બેન્કના ડિસઈન્વેસ્ટમેન્ટને કેન્દ્રીય કેબીનેટની મંજુરીઃ મેનેજમેન્ટની ભૂમિકા પણ બદલાશે

નવી દિલ્હી, તા. ૬ :. ઓલ ઈન્ડીયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસીએશન (એઆઈબીઈએ) આઈબીબીઆઈ બેન્કના ખાનગીકરણ કરવા સાથે જોડાયેલા સરકારના નિર્ણયનો વિરોધ કરતા તેને 'અધોગતિ'નુ પગલુ ગણાવ્યુ છે. યુનિયને કહ્યુ છે કે સરકારે બેન્કની મૂડી શેયરના ૫૧ ટકાનો હિસ્સો પોતાની પાસે રાખવો જોઈએ. બેન્ક યુનિયને એક નિવેદનમાં જણાવ્યુ છે કે બેન્ક એટલા માટે મુશ્કેલીમાં મુકાઈ છે કે કેટલાક કોર્પોરેટ ગૃહોએ લોન લઈ પરત કરી નથી અને છેતરપીંડી આચરી છે. અત્યારે એ સમય છે કે લોન નહિ ભરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી પૈસાની વસુલી કરવામાં આવે.

અત્રે એ નોંધનીય છે કે મંત્રી મંડળે બુધવારે આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આઈડીબીઆઈ બેન્કની હિસ્સેદારી કેટલાક પસંદગીના રોકાણકારોને વેચવા અને તેઓને બેન્કનું મેનેજમેન્ટ સોંપવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. બેન્કમાં કેન્દ્ર સરકાર અને એલઆઈસીની હિસ્સેદારી ૯૪ ટકાથી વધુ છે.

યુનિયને જણાવ્યુ છે કે લોન નહિ ભરનારાઓ સામે કાર્યવાહી કરી અને પૈસા વસુલવાની જરૂર છે, જ્યારે દુર્ભાગ્યની વાત એ છે કે હવે બેન્કને એક ખાનગી કંપનીને વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઈડીબીઆઈ બેન્ક એક રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેને આ પ્રકારે વેચી ન શકાય.

(10:31 am IST)