Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

શ્રી મદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જીવન પર આધારિત ફિલ્મ યૂટ્યુબ પર લોન્ચ કરાશે

૭ મી મે ના રોજ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૪મો પ્રાગટ્ય દિવસ ઉજવાશે

નવી દિલ્હી,તા. ૬: શુક્રવારે વૈષ્ણવ સંપ્રદાયના જગદગુરૂ આચાર્ય શિરોમણીશ્રીમદ્ વલ્લભચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટય દિવસ છે. તે જ  દિવસે તેમના જીવન ચરીત્ર પર આધારીત ર કલાક ર૦ મિનિટની ફિચર ફિલ્મને યૂટયૂબની ચેનલપુષ્ટિ ટીવીના માધ્યમથી વૈશ્વીક ફલક પર લોન્ચ કરવામાં આવનાર છે. જે ફિલ્મમાં વૈષ્ણવાચાર્ય ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ અને તેમના પુત્ર શરણમકુમાર દ્વારા અભિનયના ઓજસ પાથરવામાં આવ્યા છે.

શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર આધારીત ફિલ્મને મુંબઇના પ્રોડયુસર અને ડાયરેકટર અજય શાહની કંપની રાધિકા વિઝનોટેકર પ્રા. લી.ના બેનર હેઠળ તૈયાર કરવામાં આવી છે. અજયભાઇ દ્વારા આચાર્યની ભૂમિકા માટે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજને નિવેદન કરાયું હતું. જોકે તે સમયે દ્વારકેશલાલજી મહારાજ દ્વારા ફિલ્મમાં પાત્ર ભજવવાની ના પાડવામાં આવી હતી. પરંતુ અજયભાઇના આગ્રહને માન આપી અંતે દ્વારકેશલાલજી મહારાજ દ્વારા ફિલ્મમાં ભૂમિકા ભજવવાની હા પાડી હતી. ફિલ્મમાં શરણમકુમાર મહોદય દ્વારા ફિલ્મમાં શ્રીકૃષ્ણ (શ્રીનાથજી)ની ભૂમિકા ભજવવામાં આવી છે.

ફિલ્મની પટકથા પ્રારંભમાં સ્વ. વિષ્ણુવિરાટ ચતુર્વેદી દ્વારા લખવામાં આવી હતી. જેમાં મુંબઈ નિવાસી નિતાબહેન દ્વારા પ્રસંગોને સંકલિત કરાયા હતા. પુષ્ટિમાર્ગના વિશેષ આચાર્યોના માર્ગદર્શન તેમજ અનેક પ્રકાશિત ગ્રંથો અને સાહિત્યનો ઉપયોગ કરીને ફિલ્મની પટકથાને અંતિમ સ્વરૂપ અપાયું હતું. આ પ્રસંગો પાંચ સદીઓ પહેલાના હોવાથી તેના લોકેશન - સ્થળ નક્કી કરવા, ફિલ્મ સ્ટુડીઓમાં તે પ્રકારના સેટ તેયાર કરવાના આ સૌથી મુશ્કેલ કાર્ય હતું. ફિલ્મ ઐતિહાસિક પ્રસંગોની સાથે વેશભૂષા, મેકઅપ અને ભાષાશૈલીને શ્રી મહાપ્રભુજીની દિવ્યતાની ગરિમા જળવાઇ રહે તેનું ધ્યાન રાખી નક્કી કરાઇ હતી.

(10:30 am IST)