Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

RLDના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી અજિતસિંહનું નિધનઃ કોરોનાથી હતા સંક્રમિત

નિધન બાદ બાગપત સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં શોકની લહેર છે

નવી દિલ્હી, તા.૬: રાષ્ટ્રીય લોકદળ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજિત સિંહનું નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. અજિતસિંહની મંગળવાર રાતે તબિયત અચાનક ખુબ બગડી ગઈ હતી. તેમને ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કહેવાય છે કે ફેફસામાં સંક્રમણ વધી જવાના કારણે તેમની તબિયત નાજુક થઈ ગઈ હતી.

પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહના પુત્ર અજિત સિંહ બાગપતથી ૭ વાર સાંસદ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ રહી ચૂકયા છે. ૮૬ વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. તેમના નિધન બાદ બાગપત સહિત પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં શોકની લહેર છે. ચૌધરી અજિત સિંહની ગણતરી મોટા જાટ નેતાઓમાં થતી હતી.

આરએલડી પ્રમુખ ચૌધરી અજિત સિંહ ૨૨ એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદથી તેમના ફેફસામાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું હતું. મંગળવારે રાતે તેમની તબિયત વધારે બગડી હતી. ત્યારબાદ તેમને ગુરુગ્રામની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા. જયાં ગુરુવારે સવારે તેમનું નિધન થયું.

(10:31 am IST)