Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો

છેલ્લા ત્રણ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૬૦ પૈસા અને ડીઝલના ભાવમાં ૬૯ પૈસાનો વધારો ઝીંકાયો

નવી દિલ્હી, તા.૬: પેટ્રોલ અને ડીઝલના ભાવ માં વધારાનો સિલસિલો આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પણ ફ્યૂઅલ પ્રાઇઝમાં વધારો કર્યો છે. આ વધારા બાદ દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૦.૯૯ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. બીજી તરફ ડીઝલની વાત કરીએ તો તે ૮૧.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે.

ત્રણ દિવસમાં વધારા બાદ પેટ્રોલ ૬૦ પૈસા સુધી મોંદ્યું થઈ ગયું. મંગળવારે પેટ્રોલના ભાવમાં ૧૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. બુધવારે તેના ભાવમાં ૧૯ પૈસાનો વધારો થયો અને આજે ૨૫ પૈસાનો વધારો થયો છે. આવી જ રીતે ડીઝલની વાત કરીએ તો ત્રણ દિવસમાં તેના ભાવમાં ૬૯ પૈસાનો વધારો ઝીંકાયો છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

દિલ્હી- પેટ્રોલ ૯૦.૯૯ રૂપિયા અને ડીઝલ ૮૧.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૯૭.૩૪ રૂપિયા અને ડીઝલ ૮૮.૪૯ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૦.૧૪ રૂપિયા અને ડીઝલ ૮૪.૨૬ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૨.૯૦ રૂપિયા અને ડીઝલ ૮૬.૩૫ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:31 am IST)