Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

મ.પ્ર.માં લેભાગુ તબીબે ખેતરમાં જ હોસ્પિટલ ઊભી કરી દીધી

સારવાર માટે લાચારીનો લાભ ઊઠાવતા લેભાગુઓ : આગર માલવમાં રાજસ્થાન જવાના રસ્તા પર ખેતરમાં જ હોસ્પિટલ શરૂ, ચાદરો પાથરી દર્દીઓને સુવાડી સારવાર

ઇન્દોર, તા. ૫ : દેશમાં કોરોનાના સંક્રમણે ભયાનક સ્થિતિ સર્જી છે. હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન વગર લોકો મરી રહ્યા છે. લેભાગુઓ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

બીજી તરફ મધ્યપ્રદેશમાં એક એવી હોસ્પિટલની વિગતો સામે આવી છે જે જાણીને તમે ચોંકી જશો. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક લેભાગુ ડોકટરે મધ્યપ્રદેશના આગર માલવ જિલ્લામાં રાજસ્થાન તરફ જતા રસ્તા પર ખેતરમાં જ હોસ્પિટલ શરૂ કરી દીધી છે. સંતરાના ખેતરમાં ચાદરો પાથરીને દર્દીઓને સુવાડીને સારવાર થઈ રહી છે.ડોકટરો ઝાડ પર બોટલ લટકાવીને દર્દીઓને ચઢાવી રહ્યા છે.

આ ડોકટરનુ નામ દેવીલાલ છે.આ ઘટનાની જાણ તંત્રને પણ છે, આમ છતા કોઈ કાર્યવાહી થઈ રહી  નથી. અહીંયા દર્દીઓ જીવનુ જોખમ હોવા છતા સારવાર લેવા માટે મજબૂર છે, કારણકે સારવાર માટે બીજો કોઈ વિકલ્પ પણ તેમની પાસે નથી.

અહીંયા આસપાસના ૧૦ ગામના લોકો મોટી સંખ્યામાં સારવાર કરાવવા માટે પહોંચી રહ્યા છે. કદાચ લોકો આ પ્રકારની સારવારના જોખમ અંગે જાણતા નથી અથવા તો સિસ્ટમ સામે તેઓ લાચાર હાલતમાં છે.

(12:00 am IST)