Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પ્રદૂષણ એટલું ઘટી ગયુ છે કે બિહારના સિંહવાહિની ગામમાં ઘરની અગાસી પરથી બર્ફીલો માઉન્ટ એવરેસ્ટ જોવા મળે છે

પટણા,તા.૬ : કોરોના વાઇરસને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે રાજયો વચ્ચેના આંતરિક વ્યવહારો નિયંત્રિત હોવાથી હવા અને પાણીમાં દૂષિત પદાર્થો ભળવાનું અને ઘોંઘાટનું પ્રમાણ પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી ગયું છે. એને કારણે આકાશ સ્વચ્છ થઈ ગયું છે અને દૂર-દૂર સુધીના નજારા સુંદર ખીલી ઊઠ્યા છે. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી પરવીન કાસવાને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં એવરેસ્ટ દેખાય છે. બિહારના સિંહવાહિની નામના ગામમાંથી સીધું દેખાતું હિમાલયના શિખર માઉન્ટ એવરેસ્ટનું આ દૃશ્ય છે. પરવીન કાસવાને ફોટોગ્રાફની કેપ્શનમાં લખ્યું છે, 'સિંહવાહિની  ગામના લોકોએ તેમના ઘરમાંથી માઉન્ટ એવરેસ્ટ જોયો,

ત્યાર પછી કહ્યું કે ઘણા દાયકાઓ પછી હિમાલયનાં શિખરો અમને જોવા મળ્યાં છે.' સૌપ્રથમ સિંહવાહિની ગામની મુખિયા રીતુ જયસ્વાલે આ તસ્વીર ટ્વિટર પર મૂકીને કૅપ્શન આપી હતી 'અમે સિંહવાહિની ગામના લોકો અમારા ઘરની અગાશીમાંથી માઉન્ટ એવરેસ્ટને નિહાળી શકીએ છીએ. કુદરત આપોઆપ પોતાની સમતુલા જાળવી રહી છે. રીતુ જાયસ્વાલની ટ્વીટને સેંકડો લાઇકસ અને કમેન્ટ્સ મળવા ઉપરાંત ડઝનબંધ ફોર્વડ્સ પણ કરવામાં આવી છે. કમેન્ટ્સમાં કોઈએ એને લોકડાઉનની હકારાત્મક અસર ગણી છે અને કોઈકે એને પરિસ્થિતિજન્ય નોંધપાત્ર સિદ્ઘિ ગણાવી છે. દૃશ્યની સુંદરતાને વખાણતી ઢગલાબંધ કમેન્ટ્સ લખવામાં આવી છે.

(3:08 pm IST)