Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

વારાણસી બેઠક પર હરીફોની વચ્ચે પક્ષ નરેન્દ્ર મોદી બિનહરીફ

૮ રાજયો અને ૧૩ જિલ્લાના કુલ ૨૫ ઉમેદવારો નરેન્દ્રભાઈ સામે જંગમાં : ભાજપ તરફથી નરેન્દ્રભાઈ મોદી - તો કોંગ્રેસે ઉતાર્યા અજય રાયને : સમાજવાદી પાર્ટી તરફથી શાલિની યાદવ પણ મેદાનમાં : સાંસદ તરીકે વારાણસીની જનતા નરેન્દ્રભાઈને આપશે કેટલા માર્ક? ગત ચૂંટણીમાં અહિંથી નરેન્દ્રભાઈ ૩,૭૧,૭૮૪ મતોથી જીત્યા હતા

વાપી, તા. ૬ : વારાણસી ઉત્તર પ્રદેશનું એક પ્રસિદ્ધ શહેર છે. જેને બનારસ અને કાશી પક્ષ કહે છે. આ શહેરના અનેક ઉપનામો છે. મંદિરાનું શહેર... ભારતની ધાર્મિક રાજધાની, ભગવાન શિવની નગરી,  જ્ઞાનનગરી જેવા ઉપનામોથી પણ પ્રસિદ્ધ છે.

હિંદુ ધર્મમાં પવિત્ર નગરોની સુચિમાં વારાણસીનું નામ મોખરે આવે છે. આ ઉપરાંત બૌદ્ધ અને જૈનધર્મ માટે પણ આ શહેર એટલુ જ પવિત્ર મનાય છે. ભારતનું પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીત પણ વારાણસીમાં જ જન્મ્યુ અને વિકસીત થયાનું મનાય છે.

ભારતના અનેક દાર્શનિક, કવિ, લેખક તેમજ સંગીતજ્ઞ વારાણસીના રહેવાસી છે. જેમાં કબીર વલ્લભાચાર્ય, રવિદાસ, સ્વામી રામાનંદ ગેલંગસ્વામી, શિવાનંદ ગૌસ્વામી, મુનશી પ્રેમચંદ્ર, જયશંકર પ્રસાદ, પંડિત રવિશંકર, પંડિત હરિપ્રસાદ ચોરસીયા, આચાર્ય રામચંદ્ર શુકલજી, ગિરજાદેવીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન પણ આ પંથકનાં જ છે. આ શહેરના અનેક પ્રસિદ્ધ ઘાટો ઉપરાંત શ્રી કાશી વિશ્વનાથ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.

આ તો થઈ વારાણસી શહેરની વાત. હવે જો આ બેઠકને લોકસભા ચૂંટણીની રૂષ્ટિ એ જોઈએ તો વારાણસી શહેરને પૂર્વાચલની રાજનીતિનું મધ્યબિંદુ કહેવાય છે.

કારણ કે આ બેઠકના પરિણામની અસર બિહાર સહિતના રાજયો ઉપર પડે છે. ગત લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ બેઠક ઉપરથી ઝંપલાવી ભવ્ય વિજય મેળવ્યો. ત્યારથી આ બેઠક જાણે વીઆઈપી બની ગઈ છે. આ વેળાની ચૂંટણીમાં જનતા દળના ઉમેદવાર અનિલ શાસ્ત્રી વિજયી બન્યા હતા.

પરંતુ ત્યારબાદ જાણે ભાજપનો દોર શરૂ થઈ ગયો હોય તેમ ૧૯૯૧ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શિરીષચંદ્ર દિક્ષીત વિજયી બન્યા. તો ૧૯૯૬ની ચૂંટણીમાં ભાજપે શંકરપ્રસાદ જયસ્વાલને મેદાનમાં ઉતાર્યા અને તેમાં વિજયી બન્યા.

ત્યારબાદ ૧૯૯૮ અને ૧૯૯૯માં ભાજપે શંકરપ્રસાદને જ રીપીટ કર્યા અને તેઓ જીતતા ગયા. પરંતુ વળાંક આવ્યો ૨૦૦૪ની ચૂંટણીમાં. આ વેળાએ કોંગ્રેસના ઉમેદવાર ડો. રાજેશપ્રસાદ મિશ્રાએ ભાજપના ઉમેદવાર શંકરપ્રસાદ જયસ્વાલને ૨,૫૭,૫૦૦ જેટલા મતોથી હરાવી વિજયી બની આ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી.

ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ બદલાવી અને ૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપના નેતા ડો.મુરલી મનોહર જોષીને મેદાનમાં ઉતાર્યા. પરંતુ જાણે આ વેળાના સમીકરણમાં ભાજપે માત્ર કોંગ્રેસને જ નહિં ડીએસપી અને એસપીને લડત આપવાની હતી.

જેમાં ભાજપના ઉમેદવાર ડો.મુરલી મનોહર જોષીએ પોતાના હરીફ ઉમેદવાર એવા બીએસપીના મુખ્તાર અન્સારીને ૧૭,૨૦૦ જેટલા મતોથી હરાવી આ સીટ ફરી ભાજપને અપાવી.

પરંતુ ૨૦૧૪ની ચૂંટણી આવી અને એમાં આ બેઠક ઉપરથી વડાપ્રધાન પદના દાવેદાર એવા નરેન્દ્રભાઈ મોદીને ભાજપે મેદાનમાં ઉતાર્યા. એ સમયે એસપી, બીએસપી અને કોંગ્રેસ તો હરીફાઈમાં હતાં જ પરંતુ મજબૂત હરીફ તરીકે ''આપ'' પાર્ટી હતી. લોકસભાની આ વારાણસી બેઠકની કુલ જનસંખ્યા આશરે ૩૪ લાખ છે. જેમાંથી અંદાજે ૧૮ લાખ જેટલા વોટર છે.

આ બેઠક પર જાતિગત પ્રભાવથી ધર્મની ખૂબ અસર જોવા મળે છે. આ સંસદીય સીટ પર બંગાળી, મરાઠી અને દલીત મતદાતામાં ખાસ્સા પ્રમાણમાં છે. પરંતુ જાણે એમનું સમર્થન રાષ્ટ્રીય પક્ષને જ મળતુ જણાય છે.

આ ઉપરાંત અહિં બ્રાહ્મણ, મારવાડી, યાદવ, ક્ષત્રિય તેમજ મુસ્લિમ વોટર્સની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને આ સંખ્યા પણ જે તે ઉમેદવારને જીતાડવામાં અને હરાવવામાં મોટો ભાગ ભજવી શકે છે.

હવે જો આપણે આ બેઠકની ચૂંટણીનો ઈતિહાસ જોઈએ તો... હાલનો ભાજપનો ગઢ મનાતી વારાણસી બેઠક એક સમયે કોંગ્રેસ માટે કિલ્લા સમાન હતી. આઝાદી બાદ ૧૯૫૨માં ૧૯૫૭માં અને ૧૯૬૨માં કોંગ્રેસના ઉમેદવાર રઘુનાથસિંહે વારાણસીથી જીતની હેટ્રીક સર્જી કોંગ્રેસનો પાયો નાખ્યો હતો.

જો કે ૧૯૬૭માં રઘુનાથસિંહને કોમ્યુનિસ્ટ પાર્ટીના સત્યનારાયણ સિંહની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ફરી ૧૯૭૧ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજારામ શાસ્ત્રી વિજયી બન્યા હતા. પરંતુ ૧૯૭૭માં આ બેઠક પરથી ભારતીય લોકદળના ઉમેદવાર ચંદ્રશેખરે જીત મેળવી હતી. એટલુ જ નહિં તેઓ આ જીત બાદ વડાપ્રધાનપદે પણ પહોંચ્યા હતા.

ત્યારબાદ ૧૯૮૦ના વર્ષમાં કમલાપતિ ત્રિપાઠી તો ૧૯૮૪ના વર્ષમાં કોંગ્રેસના ઉમેદવાર શ્યામલાલ યાદવે જીત મેળવી હતી. પરંતુ ૧૯૮૯માં કોંગ્રેસના ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો હતો. નરેન્દ્ર મોદી સામે ટક્કર આપવા અરવિંદ કેજરીવાલ મેદાનમાં ઉતર્યા હતા.

આ ચૂંટણીમાં એસપીના ઉમેદવાર કૈલાસ ચોરાસીયાને ૪૫,૨૯૧ બીએસપીના ઉમેદવાર વિજય પ્રકાશ જયસ્વાલને ૬૦૫૭૯, કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને ૭૫,૬૧૪ મત મળ્યા હતા.

જયારે આપ પાર્ટીના સર્વેસર્વા એવા અરવિંદ કેજરીવાલને ૨,૦૬,૨૩૮ એટલે કે આશરે ૩૦ ટકા જેટલા મતો મળ્યા હતા. પરંતુ નરેન્દ્રભાઈ મોદીને મતદારોએ અહીં ખોબે ખોબે મત આપી વધાવ્યા.

નરેન્દ્રભાઈને ૫,૮૧,૦૨૩ મત મળતા તેઓ ૩,૭૧,૭૮૪ મતોથી વિજયી બન્યા. એટલુ જ નહિં વડાપ્રધાનપદે પણ પહોંચ્યા. જોતજોતામાં આ વાતને પાંચ વર્ષ વીતી ગયા અને ૨૦૧૯ની ચૂંટણી આવી ગઈ.

સ્વભાવિક છે કે વડાપ્રધાન જે બેઠક ઉપરથી લડતા હોય ને બેઠક હાઈ પ્રોફાઈલ બની જાય. હવે ૨૦૧૯ની ચૂંટણીમાં પણ નરેન્દ્રભાઈએ ફરી આ બેઠક ઉપરથી ઝંપલાવ્યુ છે. ગત ચૂંટણીમાં તો તેમણે વારાણસી ઉપરાંતની વડોદરા બેઠક ઉપરથી પણ દાવેદારી નોંધાવી હતી.

પરંતુ આ વેળાની ચૂંટણીમાં તો તેઓ માત્ર વારાણસી બેઠક ઉપરથી જ ઉતર્યા છે. આ બેઠક પર કેટલાક દિવસ ખાસ્સુ સસ્પેન્સ ચાલ્યુ. નરેન્દ્રભાઈની સામે  કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીનું નામ આવ્યુ પરંતુ તેમણે પીછેહઠ કરી પોતાના તરફથી અજય રાય ને મેદાનમાં ઉતાર્યા.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વારાણસી બેઠક ઉપર એક ભવ્ય રોડ શો યોજયો હતો. કહેવાય છે કે આ રોડ શો ૭ કિ.મી. લાંબો હતો અને એમાં આશરે ૭ લાખ જેટલા લોકો ઉમટ્યા હતા.

નરેન્દ્રભાઈની એક ઝલક જોવા લોકોમાં જે ઉત્સાહ હતો તે કદાચ અવર્ણનીય હતો. હંદુ વિસ્તાર હોય કે મુસ્લિમ વિસ્તાર હોય જાણે સર્વત્ર એક જ આવકાર.

આવો ભવ્ય રોડ શો જોઈ કદાચ હરીફ ઉમેદવારો ભીંસમાં આવ્યા હશે. નરેન્દ્રભાઈની સામે કોંગ્રેસે અજયરાયને મેદાનમાં ઉતાર્યા છે. અજય રાય રાજકીય આલમના જૂના ખેલાડી છે.

જયારે સપાએ પહેલા આ બેઠક ઉપરથી શાલીની યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ પાર્ટીએ અચાનક તેમનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચાવી તેમની જગ્યાએ બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ ચૂંટણીપંચે તેજ બહાદુરનું ઉમેદવારીપત્રક રદ્દ કર્યુ હતું.

આપણને આશ્ચર્ય થશે પરંતુ આ વેળાની ચૂંટણીમાં આ બેઠક પરથી કુલ ૧૦૨ જણાએ ઉમેદવારી પત્રક ભર્યા હતા. પરંતુ ઉમેદવારી પત્રક ચકાસણી દરમિયાન ૭૧ ઉમેદવારીના ઉમેદવારી પત્રક રદ્દ થયા હતા.

જયારે પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવાર પણ ખેંચી લેતા હવે નરેન્દ્રભાઈ સામે આ ચૂંટણીજંગમાં ૨૫ ઉમેદવારો મેદાનમાં છે.

આ બેઠક ઉપર ૧૯૫૨થી અત્યાર સુધી ઉભા રહેલા ઉમેદવારોની સંખ્યાને જોઈએ તો... ૧૯૫૨માં ૫ ઉમેદવાર,  ૧૯૫૭માં ૪, ૧૯૬૨માં ૬, ૧૯૬૭માં ૫, ૧૯૭૧માં ૧૪, ૧૯૭૭માં ૧૧, અને ૧૯૮૦માં ૩૨ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.

જયારે ૧૯૮૪માં ૧૯ ઉમેદવારો ૧૯૮૯માં ૧૬ ૧૯૯૧માં ૨૪, ૧૯૯૬માં ૪૭, ૧૯૯૯માં ૧૨ અને ૨૦૦૪માં ૧૮ અને ૨૦૧૯માં નરેન્દ્રભાઈ સામે અન્ય ૨૫ ઉમેદવારો મેદાનમાં છે.

આમ આ બેઠક પર ૧૯૫૨થી અત્યાર સુધીમાં સૌથી વધુ ઉમેદવારો ૧૯૯૬ની ચુંટણીમાં ૪૭ ઉમેદવારો હતા. જયારે સૌથી ઓછા ઉમેદવાર ૧૯૫૭ની ચુંટણીમાં માત્ર ૪ ઉમેદવાર મેદાનમાં હતો

વારાણસી લોકસભા બેઠક હેઠળ રોહમીયા, વારાણસી ઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી છવાની અને સેવાપુરી વિધાનસભા ક્ષેત્ર  આવેલ છે. અહીં આશરે ૧૮,૩૨,૪૩૮ જેટલા મતદાતાઓ આવેલ છે. ઉપરોકત વિધાનસભા ક્ષેત્રમાં સેવાપુરી વિધાનસભા વિસ્તારમાં આશરે ૪,૮૬,૪૭૨ જેટલા મતદાતાઓ આવેલ છે.

૨૦૧૯ની આ ચુંટણી ફરી એકવાર રસપ્રદ થઈ પડી છે. કેમ કે આ વેળાએ ૮ રાજયો અને ૧૩ જીલ્લાના મળી ૨૫ ઉમેદવારો મોદી સામે જંગમાં ઉતર્યા છે. જેમાં નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત ગુજરાતના એક ઉમેદવાર મહારાષ્ટ્ર, આંધપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, તેલંગણા તથા બિહારથી ઉમેદવારો મેદાનમાં છે.

વારાણસીમાં વસવાટ કરતા ૮ ઉમેદવાર ઉપરાંત અન્ય જીલ્લાઓમાંથી પણ ઉમેદવારોએ ઝંપાલાવ્યું છે. આમ મોદીની સામે કુલ ૨૫ ૈઉમેદવારો મેદાનમાં છે.

પરંતુ સાચી ટકકર તો ભાજપના નરેન્દ્રભાઈ મોદી કોંગ્રેસના અજય રાય, સમાજવાદી પાર્ટીની શાલિની યાદવ તથા અપક્ષ ઉમેદવાર અતિક અહેમદ વચ્ચે જંગ જામશે તેમ જણાઈ રહ્યું છે.

કુલ ૧૯ પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને આ ઉપરાંત ૭ ઉમેદવારો અપક્ષ લડી રહ્યા છે. આમ વારાણસી બેઠક ઉપર દેશભરની જનતા મીટ માંડી બેઠી છે.

જો કે સ્થિતિ જોતા તો એવુ લાગે છે કે આટલા હરીફોની વચ્ચે પણ નરેન્દ્રભાઈ મોદી જાણે બિનહરીફ હોય તેમ જણાઈ રહ્યું છે.(૩૭.૫)

 

(11:51 am IST)