Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ઇકોનોમીને પાટા પર લાવવા બીજા બુસ્ટર પેકેજની તૈયારી

સરકાર દ્વારા સક્રિય વિચારણા હાથ ધરાઇ : લોકડાઉન બાદ ઉભી થનાર સ્થિતી પર ધ્યાન કેન્દ્રિત થયુ

નવી દિલ્હી, તા.૬ : કોરોના વાયરસ મહામારીના ફેલાવાના કારણે એક પછી એક સમસ્યા ઉભી થઇ રહી છે. દેશવ્યાપી લોકડાઉન બાદ ઉભી થયેલી સ્થિતી પર ચર્ચા થઇ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ દિશામાં કામ શરૂ કરવામાં આવ્યુ છે. સાથે સાથે કેન્દ્ર સરકારે લોકડાઉનની અસરને ઘટાડી દેવા માટે અને અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા માટે વધુ એક બુસ્ટર પેકેડ જાહેર કરવા પર વિચારણા હાથ ધરી છે. કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યુ છે કે નવા બુસ્ટર ડોઝ પર અંતિમ ચર્ચા ચાલી રહી છે. સરકારનુ મુખ્ય ધ્યાન હવે ૧૫મી એપ્રિલના દિવસે લોકડાઉનની અવધિ ખતમ થઇ ગયા બાદ ઉભી થનાર સ્થિતી પર કેન્દ્રિત થઇ ગયુ છે. જાણકારી ધરાવનાર અધિકારીઓએ કહ્યુ છે કે પેકેજને લઇને ચર્ચા ચાલી રહી છે. 

         જો કે હજુ અંતિમ તારણ પર કોઇ પહોંચી શક્યા નથી. તેમણે કહ્યુ છે કે સરકારનો ઉદ્દેશ્ય વપરાશમાં જાણ ફુંકવા પર કેન્દ્રિત છે. જેથી કેટલાક ઉપાય કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. જો પેકેજની જાહેરાત કરવામાં આવે છે તો કોરોના વાયરસની સામે લડવા માટે સરકારની આ ત્રીજી મોટી પહેલ તરીકે રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪મી માર્ચના દિવસે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત બાદ કલાકા પછી જ નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કરદાતા તેમજ કારોબારીઓ માટે રાહતની જાહેરાત કરી હતી. ત્યારબાદ બે દિવસ પછી જ સીતારામને કોરોના વાયરસના કારણે પ્રકોપ વચ્ચે સૌથી વધારે પ્રભાવિત થયેલા લોકો માટે ૧.૭ લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. સરકારની પાસે હાલમાં કેટલાક વિકલ્પો રહેલા છે. સરકારે એક પછી એક તમામ વિકલ્પો પર કામ શરૂ કરી દીધુ છે. એક પછી એક તમામ સમસ્યાનો ઉકેલ શોધી કાઢવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. રબિ પાકની કાપણીને લઇને સરકાર કેટલાક પગલા લેવા માટે ઇચ્છુક દેખાઇ રહી છે.

(7:57 pm IST)