Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોના વાયરસઃ કનિકા કપૂરનો છઠ્ઠો રિપોર્ટ પણ આવ્યો નેગેટિવઃ હોસ્પિટલમાંથી કરાઈ ડિસ્ચાર્જ

વિદેશથી પરત ફર્યા બાદ તે પોઝિટિવ હોવાનું સામે આવ્યું

મુંબઇ, તા.૬: બોલિવુડ સિંગર કનિકા કપૂરની હેલ્થ સાથે જોડાયેલા સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તેનો છઠ્ઠો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાઈ છે. જો કે, આ પહેલા કોરોનાનો પાંચમો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

'સિંગર કનિકા રપૂરનો છઠ્ઠો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સંજય ગાંધી પોસ્ટ ગ્રેજયુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGIMS), લખનઉમાંથી તેને ડિસ્ચાર્જ કરાઈ છે', આ તેના પરિવાર તેમજ ફેન્સ માટે સારા સમાચાર છે.

પાંચમો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કહેવામાં આવ્યું હતું કે, જયાં સુધી તેનો આગામી ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી કનિકાને પીજીઆઈમાં રાખવામાં આવશે. પહેલા જયારે ચોથીવાર કનિકાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે કહેવાઈ રહ્યું હતું કે, તેનો પરિવાર તેને લખનઉથી એરલિફ્ટ કરાવવાની માગ કરી રહ્યો છે અને તેઓ ઈચ્છે છે કે તેની અન્ય જગ્યાએ સારવાર કરાવવામાં આવે. આ દરમિયાન હોસ્પિટલથી સતત એવી ખબરો પણ આવતી રહી કે, કનિકાની સારવારમાં જે બેસ્ટ કરી શકાય તે કરવામાં આવી રહ્યું છે.

પાંચમો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ સંજય ગાંધી પોસ્ટ ગ્રેજયુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેકટર ડોકટર આરકે ધીમાને કહ્યું હતું કે, કનિકા કપૂરમાં હવે કોઈ લક્ષણ દેખાઈ રહ્યા નથી, તેના તબિયત પહેલા કરતા સારી અને સ્થિર છે. તે સામાન્ય રીતે ભોજન લઈ રહી છે.

કનિકા કપૂર હોળી પહેલા લંડનથી મુંબઈ પરત ફરી હતી. જેના બે દિવસ બાદ તે લખનઉ ગઈ હતી, જયાં તેણે દ્યણા લોકો સાથે પાર્ટી કરી હતી. તબિયત ખરાબ હોવાના કારણે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો તો તે COVID 19 પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. જે બાદ તેના સંપર્કમાં આવેલા લોકોને લઈને ડર પેસી ગયો હતો. કનિકા કપૂરની બેદરકારીને લઈને ઉત્ત્।રપ્રદેશમાં તેની સામે દ્યણી ફરિયાદ નોંધવામાં આવી છે.

કનિકા કપૂરનું કહેવું હતું કે, જયારે તે ભારત આવી ત્યારે દેશમાં સેલ્ફ આઈસોલેશન જેવી કોઈ વ્યવસ્થા લાગુ નહોતી. ૧૦ માર્ચે લોકો હોળી રમી રહ્યા હતા. જે બાદ તેના સતત ૪ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

કનિકા કપૂર માટે મુશ્કેલીઓ હજુ ખતમ થઈ નથી. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવવા પર તેની સામે ઘણી ફરિયાદ નોંધાઈ છે. કનિકા પર આરોપ છે કે, વિદેશથી પરત ફર્યા બાદ તે પોઝિટિવ હોવાનું સામે આવ્યું. આ દરમિયાન તે ડિટેઈલ છુપાવતી રહી અને આઈસોલેશનની જગ્યાએ લોકો સાથે પાર્ટી કરતી રહી.

(4:16 pm IST)