Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

દેશના કેટલાક ભાગોમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચ્યો

એમ્સના ડાયરેકટરે કમ્યુનિટી ટ્રાન્સમિશન પર આપી ચેતવણી

નવી દિલ્હી, તા.૬: દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસની સંખ્યા વચ્ચે વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ ત્રીજા સ્ટેજ પર પહોંચી ગયું છે. દિલ્હી એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કેટલાક વિસ્તારોમાં કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું છે. જોકે તેઓએ કહ્યું કે આખા દેશમાં કોરોના વાયરસ બીજા સ્ટેજ અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે.

દિલ્હીના એમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસથી સ્થિતિ ચિંતાજનક છે. કેમકે દેશના કેટલાક ભાગોમાં કેસ એકદમ વધી ગયા છે અને કેટલાક ભાગોમાં લોકો લોકલ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. આપણે કોરોના મહામારીના સ્ટેજ ૨ અને સ્ટેજ ૩ વચ્ચે છીએ. મોટાભાગે ભારતમાં કોરોના વાયરસ સ્ટેજ ૨ પર છે.

ડોકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કેટલાક હોટસ્પોટમાં લોકલ કમ્યુનિટી સ્પ્રેડ થઇ રહ્યું છે. ત્યાં સુધી જો આપણે સ્થિતિને રોકી લઇએ તો કોઇ ચિંતા કરવાની વાત નથી. જોકે આપણે વધારે સતર્ક રહેવાનું જરૂરી બની ગયું છે. તબલીગી જમાતના કારણે કોરોના સંકટ વધ્યાના સવાલ પર ડોકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જરૂર છે કે આ લોકોને ટ્રેસ કરવામાં આવે અને જયાં-જયાં આ લોગો ગયા છે, ત્યાં તેમના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટાઇન કરવામાં આવે. જો આપને થોડા પણ લક્ષણો દેખાય છે તો આપ ઘરે જ રહો.

(3:36 pm IST)